Ram Mandir Donation Scam : અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) ના નામે દેશભરના શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાનું એક અત્યંત ચોંકાવનારું અને મોટું આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યું છે. પ્રભુ શ્રીરામના ભક્તો પાસેથી મંદિર નિર્માણ અને ધાર્મિક કાર્યોના નામે ગેરકાયદેસર રીતે આશરે ₹૭ કરોડનું ફંડ ઉઘરાવીને પર્સનલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવાનું આ આખું કૌભાંડ બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવીને આ મામલાની તપાસ હાઈ-લેવલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને સોંપી દીધી છે.
Ram Mandir Donation Scam : ફેક વેબસાઈટ અને ક્યુઆર કોડથી ખેલ ખેલાયો
અહેવાલ મુજબ, કૌભાંડીઓએ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નામે હૂબહૂ મળતી આવતી નકલી વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પેજ અને નકલી ક્યુઆર કોડ (QR Codes) તૈયાર કર્યા હતા. દેશ-વિદેશના નિર્દોષ રામભક્તો જ્યારે ઓનલાઈન દાન કરતા હતા, ત્યારે તે રકમ અસલી ટ્રસ્ટના બદલે કૌભાંડીઓની નકલી બેંક વિગતોમાં જમા થઈ જતી હતી. આ રીતે આરોપીઓએ ટૂંકા સમયમાં કરોડો રૂપિયાની ઉચાપત કરી લીધી હતી. મુખ્યમંત્રીના આદેશ બાદ એક્શનમાં આવેલી પોલીસે આ આખા રેકેટના મુખ્ય સૂત્રધાર લવકુશ મિશ્રા (Lavkush Mishra) ની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછમાં અનેક મોટા નામો બહાર આવે તેવી સંભાવના છે.
SIT ખંગાળશે નેટવર્ક: સીએમ યોગીની કડક ચેતવણી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આસ્થાના નામે લૂંટ ચલાવનારા કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. એસઆઈટી હવે કૌભાંડીઓના આંતરરાષ્ટ્રીય લિંક્સ, નકલી બેંક એકાઉન્ટ્સ અને આ નાણાં ક્યાં-ક્યાં વાપરવામાં આવ્યા છે તેની મની ટ્રેલ (Money Trail) ની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસ આ કેસમાં કડક કાનૂની જોગવાઈઓ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી રહી છે.
આ પણ વાંચો: કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ? જાણો દેશના નવા આર્મી ચીફની શાનદાર સૈન્ય સફર

