વૈષ્ણોદેવી યાત્રા રૂટ જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે મા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયેલા 2 શ્રદ્ધાળુઓના મોત થયાના સમાચાર છે. અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી હિમકોટી પર્વત પર પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયાની થોડી જ સેકન્ડોમાં ભૂસ્ખલન થયું, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ થઈ ગઈ.
ભૂસ્ખલનને કારણે હિમકોટી રોડ પર ઘણો કાટમાળ પડ્યો છે. પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. કારણ કે સતત વરસાદ પડી રહ્યો છે. વૈષ્ણોદેવીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે ભૂસ્ખલન થયું હતું. હિમકોટમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હાલ યાત્રાને જૂના રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે.
વૈષ્ણોદેવી યાત્રા રૂટ
અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પરંતુ આ પૈકી બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના CEOએ જણાવ્યું કે, માતા વૈષ્ણોદેવી શ્રાઈન ટ્રેક પર પથ્થર પડવાની અને ભૂસ્ખલનની ઘટના બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે.
બેટરી સેવા પણ બંધ
હિમકોટી પર્વતમાં ઘાયલોને શોધવાના પ્રયાસો ચાલુ છે. ઘાયલોમાં એક બાળકી પણ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર 3 થી 4 લોકો ઘાયલ છે. હિમકોટી રૂટ પરથી મુસાફરી હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. બેટરી કાર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે યાત્રા જૂના પરંપરાગત રૂટ પરથી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો – બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી.