Malan River Bridge : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી પસાર થતી માલણ નદીના પુલ પર આજે એક મોટી જાનહાનિ ટળી છે. નદીમાં પ્રોટેક્શન વોલ અને સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક પુલનો એક ગાળો નીચે બેસી ગયો હતો. આ ઘટનાને પગલે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
Malan River Bridge : 50 વર્ષ જૂનું સ્ટ્રક્ચર અને ચોમાસાની અસર
આ પુલ આશરે 50 વર્ષ જૂનો છે. ગત ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદ અને નદીના તેજ પ્રવાહને કારણે પુલના પાયા નબળા પડી ગયા હતા. આ નુકસાનને પગલે તંત્ર દ્વારા પુલના રિપેરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જ્યારે જેસીબી મશીન દ્વારા નદીમાં સાફ-સફાઈ અને રક્ષણાત્મક દીવાલનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પુલનો એક આખો ગાળો એકાએક નીચે બેસી ગયો હતો.
તપાસ શરૂ અને ટ્રાફિક પર પ્રતિબંધ
ઘટનાની જાણ થતા જ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પુલની ગંભીર સ્થિતિને જોતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મહુવા પોલીસનો સ્ટાફ પણ ખડેપગે થઈ ગયો છે. હાલ સુરક્ષાના કારણોસર પુલ પરનો એક સાઈડનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા પુલના સ્ટ્રક્ચરની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને ત્યાર બાદ જ આગળનો નિર્ણય લેવાશે.
વાહનચાલકોને હાલાકી
આ પુલ શહેરના મુખ્ય માર્ગોને જોડતો હોવાથી માર્ગ બંધ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સદનસીબે, પુલ બેસી ગયો ત્યારે ઉપર કોઈ વાહન ન હોવાથી મોટી હોનારત ટળી હતી. હાલમાં ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી પોલીસ દ્વારા સંભાળવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

