લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત

Surendranagar Accident

Surendranagar Accident  :  ભક્તિના માર્ગ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારી ઘટના બની છે. રાજકોટથી પગપાળા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સુરેન્દ્રનગર નજીક એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. લખતર-વિરમગામ હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા એક કાળમુખા ટ્રકે 10 જેટલા યાત્રાળુઓને અડફેટે લીધા હતા, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોની હાલત અત્યંત ગંભીર છે.

Surendranagar Accident  : 5 મહિલાઓ અને 2 પુરુષોએ ગુમાવ્યા જીવ

મળતી માહિતી મુજબ, રાજકોટના ગઢકા ગામેથી ભરવાડ સમાજનો એક સંઘ ડેકા વાળા (મેરા) ખાતે દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યો હતો. ગત મોડી રાત્રે જ્યારે આ પદયાત્રીઓ છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતા એક ટ્રકે યાત્રાળુઓને કચડી નાખ્યા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટના બાદ સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે પર યાત્રાળુઓની મરણચીસો ગુંજી ઉઠી હતી અને પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં માર્ગ અકસ્માતના ડરામણા આંકડા

નોંધનીય છે કે, ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. તાજેતરમાં આરટીઆઈ (RTI) દ્વારા મળેલી માહિતી અનુસાર, વર્ષ 2021 થી 2025 દરમિયાન રાજ્યમાં કુલ 79,054 અકસ્માતો નોંધાયા હતા, જેમાં 38,530 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સરેરાશ દર કલાકે અકસ્માતની બે ઘટનાઓ બને છે અને એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.

આ પણ વાંચો:  સ્કૂલમાં માત્ર ‘ધક્કો વાગવા’ જેવી બાબતે ચાલ્યા ચાકુ! ધોરણ 9 ના વિદ્યાર્થીએ સાથી મિત્ર પર કર્યો જીવલેણ હુમલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *