Mehsana Road Accident : મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
Mehsana Road Accident : ઊંઘનું જોકું કાળ સાબિત થયું
અકસ્માતની આ હૃદયદ્રાવક ઘટના રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ બની હતી. અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકને ઊંઘનું જોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી. બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી આવતી ટ્રક સાથે ભટકાઈ હતી. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહેલી ટ્રકને બસે પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ ટ્રક સાથે અથડાયા બાદ સીધી રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
“જો સીધી ટક્કર હોત તો અમે બચ્યા ન હોત” – ટ્રક ચાલક
ટ્રક ચાલક તુલસીરામે ધ્રુજારી સાથે અકસ્માતની વિગત આપતા જણાવ્યું કે, “અમે અમારી લેનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક લક્ઝરી બસ સામેથી આવી ગઈ. ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય તેમ જણાય છે. જો મેં છેલ્લી ઘડીએ ટ્રકને ન ફેરવી હોત અને બસ સીધી ટકરાઈ હોત, તો અમારો જીવ બચવો પણ મુશ્કેલ હતો.” સદનસીબે ટ્રક ચાલકની સમયસૂચકતાને કારણે મોટી જાનહાની ટળી હતી, છતાં બસમાં સવાર મુસાફરો માટે આ ટક્કર જીવલેણ સાબિત થઈ હતી.
રાહત કામગીરી અને પોલીસ તપાસ
અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ અને રાહદારીઓએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. 13 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે ગુનો નોંધી ડ્રાઈવરની બેદરકારી અંગે તપાસ હાથ ધરી છે. મોડી રાત સુધી હાઈવે પર ક્રેનની મદદથી વાહનો હટાવવાની કામગીરી ચાલી હતી.
આ પણ વાંચો: માંડવીમાં હૃદયદ્રાવક દુર્ઘટના: કાકરાપાર ડેમમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત

