Mahemdavad Student Felicitation : મહેમદાવાદ વિધાનસભા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૨૫-૨૬ ના “તેજસ્વી તારલાઓના સન્માન” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદના શ્રી રવિશંકર મહારાજ હોલ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

Mahemdavad Student Felicitation : વક્તા અશોકભાઈ ગુજ્જરનું પ્રેરણાદાયી ઉદ્બોધન
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખર વક્તા અશોકભાઈ ગુજ્જરનું મોટિવેશનલ સેશન રહ્યું હતું. તેમણે સન્માનિત થઈ રહેલા વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત યુવાધનને સંબોધતા એક અત્યંત પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું.

અશોકભાઈએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જરૂરી મહેનત અને સમર્પણ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજકીય અને વહીવટી અગ્રણીઓની વિશેષ હાજરી
આ ગરિમાપૂર્ણ પ્રસંગે ખેડા લોકસભા વિસ્તારના સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણ તેમજ મહેમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પદવી મેળવનારા તમામ તેજસ્વી તારલાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ, અગ્રણીરાજુભાઈ હાલાણી, જિલ્લા શિક્ષણ અધિકારી રાવલજી તથા એસડીપીઓ (SDPO) કુણાલભાઈ રાઠોડ જેવા વહીવટી, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના ઉચ્ચ પદાધિકારીઓ પણ વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સ્ટેજ પર હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા આદેશ

