અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા આદેશ

AMC Fuel Saving Guidelines

AMC Fuel Saving Guidelines : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની રાષ્ટ્રવ્યાપી અપીલ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જારી કરાયેલા ખાસ પરિપત્ર મુજબ, હવેથી કોર્પોરેશનના તમામ ઝોનલ ઓફિસ અને વિવિધ ખાતાના વડાઓ તેમજ કર્મચારીઓએ ઈંધણનો લઘુત્તમ ઉપયોગ થાય તે માટે ખાસ આદેશોનું પાલન કરવાનું રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલ જેવા રાષ્ટ્રીય સંસાધનોનો બગાડ અટકાવવાનો અને સરકારી ખર્ચ ઘટાડવાનો છે.

AMC Fuel Saving Guidelines : કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ અને વ્હીકલ શેરિંગ ફરજિયાત

મ્યુનિસિપલ કમિશનરના પરિપત્ર અનુસાર, જે કર્મચારીઓ એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં અથવા નજીકની ઓફિસમાં ફરજ બજાવતા હોય અને એક જ દિશામાં રહેતા હોય, તેમણે સાથે મળીને વાહન શેર કરવાનું રહેશે.

શેરિંગ વ્યવસ્થા: કાર કે ટુ-વ્હીલરનો ઉપયોગ કરતા કર્મચારીઓએ પરસ્પર તાલમેલ મેળવી ‘કાર પુલિંગ’ અથવા ‘વ્હીકલ શેરિંગ’ દ્વારા ઓફિસ આવવાનું રહેશે.

ફિલ્ડ વિઝિટ માટે નિયમો: કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે ફિલ્ડ વિઝિટ કે રાઉન્ડ પર જાય, ત્યારે પણ અલગ-અલગ વાહનો લઈ જવાને બદલે એક જ વાહનમાં સાથે જવાનું સૂચન કરવામાં આવ્યું છે જેથી બિનજરૂરી ઇંધણનો ધુમાડો અટકાવી શકાય.

જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ

પરિપત્રમાં માત્ર વાહન શેરિંગ જ નહીં, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

સરકારી અપીલ: કમિશનરે અપીલ કરી હતી કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ આવવા-જવા માટે AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરે.

ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો: આ આદેશના પાલનથી માત્ર સરકારી તિજોરી પરનું ભારણ અને ઇંધણનો વપરાશ જ ઓછો નહીં થાય, પરંતુ અમદાવાદ શહેરના ટ્રાફિક અને વાયુ પ્રદૂષણની સમસ્યામાં પણ મોટી રાહત મળશે.

ડિજિટલ મીટિંગ્સને પ્રાથમિકતા

AMC દ્વારા ઈંધણનો વાર્ષિક કરોડો રૂપિયાનો આંધણ કરવામાં આવે છે, જેની સામે હવે કડક વલણ અપનાવાઈ રહ્યું છે. વાહનોના બિનજરૂરી ઉપયોગને ટાળવા માટે હવે અધિકારીઓને ભૌતિક રીતે એક જગ્યાએ ભેગા થવાને બદલે ઓનલાઈન અથવા ડિજિટલ મીટિંગ્સને પ્રાથમિકતા આપવાની ચર્ચા પણ વહીવટી વર્તુળોમાં શરૂ થઈ છે. આગામી સમયમાં આ માર્ગદર્શિકાનું કેટલું કડક પાલન થાય છે તેના પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો: સુમુલ ડેરી બોનસ જાહેરાત, પશુપાલકોને પ્રતિ કિલોફેટ ₹1020 મળશે, સુરત-તાપીમાં ખુશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *