Gujarat Govt Fuel Circular :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનોની બચત કરવા અને ઇંધણનો બગાડ અટકાવવા માટે આપેલા પ્રેરણાદાયી સંદેશને પગલે ગુજરાત સરકારે વહીવટી સ્તરે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગોને સખત આર્થિક કરકસર અપનાવવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ લઘુત્તમ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત સચિવાલયથી લઈને જીલ્લા કક્ષાની તમામ સરકારી કચેરીઓમાં વાહનો અને બળતણના ઉપયોગ અંગે મોટા વહીવટી નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે.
Gujarat Govt Fuel Circular : વધારાના વાહનો સરકારી વાહન પૂલમાં જમા કરાવવા આદેશ
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા માર્ગદર્શક પરિપત્ર મુજબ, વહીવટી માળખામાં વાહનોના દુરુપયોગને રોકવા માટે જે સરકારી અધિકારીઓ એક કરતા વધુ ખાતા કે હોદ્દાનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે, તેમણે તેમના વધારાના વાહનો તાત્કાલિક ધોરણે ‘સરકારી વાહન પૂલ’ માં જમા કરાવી દેવાના રહેશે. આ સાથે જ કચેરીના કામકાજ માટે અધિકારીઓ અને કર્મચારીઓને જો શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત પેટ્રોલ-ડીઝલના વાહનો ટાળવા અને ઈલેક્ટ્રિક વાહનો (EV) અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ (જાહેર પરિવહન સેવા) નો જ મહત્તમ ઉપયોગ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે જેથી સરકારી તિજોરી પરનું ભારણ ઘટાડી શકાય.
સરકારી કેન્ટીનોમાં PNG કનેક્શન ફરજિયાત અને અન્ય આદેશો
સરકારે માત્ર વાહનો જ નહીં પરંતુ સરકારી ભવનોમાં થતા બળતણના વપરાશને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને ભવનોમાં કાર્યરત કેન્ટીનોમાં આગામી ૬ મહિનાની અંદર સત્તાવાર રીતે પીએનજી (PNG – પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્ટિવિટી મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, અધિકારીઓને બિનજરૂરી ફિલ્ડ વિઝિટ કે પ્રવાસો ટાળવા માટે જણાવાયું છે અને કોઈ પણ મહત્વની બેઠક માટે ફિઝિકલ રીતે એકઠા થવાના બદલે ઓનલાઈન અથવા વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જ કામકાજ પતાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી ઈંધણ અને સરકારી નાણાં બંને બચાવી શકાય.
આ પણ વાંચો: રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો: સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2765 પહોંચ્યો

