PM Modi Seychelles Award : પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustainable Development) ક્ષેત્રે અદભૂત નેતૃત્વ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ (Guardians of the Blue Horizon) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પ્રતિષ્ઠિત સન્માન લાંબા સમયથી પર્યાવરણ અને વિકાસ (Green Development) ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએમ મોદીને આ અગાઉ મે ૨૦૨૬માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા કૃષિ ક્ષેત્રમાં બદલાવ અને ટકાઉ ખેતી માટે ‘એગ્રિકોલા મેડલ’ (Agricola Medal) થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
PM Modi Seychelles Award : સેશેલ્સ અને ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો
સેશેલ્સના રાષ્ટ્રપતિ ડો. પેટ્રિક હર્મિનીએ પીએમ મોદી સાથેની મુલાકાતને યાદગાર ગણાવતા કહ્યું કે, તેમની સાથેની ચર્ચા ખૂબ જ વ્યાપક અને દૂરદર્શી રહી છે. તેમણે ઉમેર્યું કે ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધો ૫૦ વર્ષ જૂના છે, જે ગાઢ મિત્રતા અને પરસ્પર વિશ્વાસના પાયા પર ટકેલા છે. બંને દેશોએ એક સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ હિંદ મહાસાગર ક્ષેત્રના નિર્માણ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવી છે.
પીએમ મોદીએ આ સન્માન કોને સમર્પિત કર્યું?
સેશેલ્સના રાષ્ટ્રપતિ દ્વારા મળેલી આ ભેટને પીએમ મોદીએ ખૂબ જ વિનમ્રતા સાથે સ્વીકારી હતી. તેમણે કહ્યું, “આ સન્માન મારા માટે અને ૧૪૦ કરોડ ભારતવાસીઓ માટે અત્યંત આનંદનો વિષય છે. હું આ સન્માનને એવા તમામ દેશોને સમર્પિત કરું છું જેઓ ક્લાયમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) જેવી વૈશ્વિક પડકારો સામે લડી રહ્યા છે અને પર્યાવરણ સંરક્ષણને પોતાની ફરજ માને છે.”
હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર: પીએમ મોદી
વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે, “હિંદ મહાસાગર સદીઓથી ભારત અને સેશેલ્સના સંબંધોને સીંચી રહ્યો છે. આપણે માનીએ છીએ કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે. તેની સુરક્ષા અને ટકાઉ વિકાસ આપણી સહિયારી જવાબદારી છે, અને આ જ ભાવના આપણા ‘MAHASAGAR’ વિઝનનો મુખ્ય આધાર છે.”
આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં પ્રોપર્ટી કેવી રીતે ખરીદવી? જાણો 2026 ના નવા નિયમો

