વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Vietnam Boat Accident : વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફુ ક્વોક (Phu Quoc) દ્વીપ નજીક શનિવારે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ભારતીયોથી ભરેલી એક સ્પીડબોટ દરિયામાં અચાનક પલટી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Vietnam Boat Accident : શું બની હતી ઘટના?

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘ઓશન પર્લ આઇલેન્ડ કંપની’ (Ocean Pearl Island Company) ની આ સ્પીડબોટમાં કુલ 37 લોકો સવાર હતા, જેમાં 32 ભારતીય પ્રવાસીઓ, એક ટૂર ગાઇડ અને 4 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થતો હતો. શનિવારે બપોરે અંદાજે 1:00 વાગ્યે બોટમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા તેનું સંતુલન બગડ્યું હતું અને તે દરિયામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 2 મહિલા અને 13 પુરુષો સહિત કુલ 15 ભારતીય પ્રવાસીઓના કમનસીબ મોત થયા છે.

PM મોદી અને દૂતાવાસની તાત્કાલિક મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, “વિયેતનામમાં ભારતીય નાગરિકો સાથે બનેલી બોટ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.” વિદેશ મંત્રાલયના નિર્દેશાનુસાર, હનોઈ (Hanoi) અને હો ચી મિન્હ સિટી (Ho Chi Minh City) સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે.

બચાવ કામગીરી અને સ્થિતિ

અકસ્માતની જાણ થતા જ વિયેતનામ નેવી, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક બોર્ડર ગાર્ડ દ્વારા મોટા પાયે બચાવ અભિયાન છેડવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 21 લોકોને સુરક્ષિત બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભારત સરકારના અધિકારીઓ વિયેતનામના તંત્ર સાથે સતત સંપર્કમાં છે અને મૃતદેહોને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે. પ્રવાસીઓની સુરક્ષાને લઈને આ દુર્ઘટનાએ ફરી એકવાર પ્રવાસન સ્થળો પરની વ્યવસ્થાઓ પર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: ‘1000 મિસાઈલો લોક્ડ એન્ડ લોડેડ’: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, એક વર્ષ સુધી સતત હુમલાની ચેતવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *