અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરે પહોંચીને ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.
Ahmedabad Rath Yatra 2026 સુરક્ષા અને વ્યવસ્થા પર ખાસ ભાર
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટ પર આવતા તમામ સંવેદનશીલ પોઈન્ટ્સની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. આ વર્ષે સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ડ્રોન સર્વેલન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.” તેમણે પોલીસ તંત્રને સૂચના આપી છે કે રથયાત્રા દરમિયાન ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.
નેત્રોત્સવ વિધિ સાથે ઉત્સાહ
રથયાત્રા પૂર્વે મંદિરમાં પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ હતી. આ વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વહીવટી તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા જર્જરિત મકાનો, વીજ લાઈનો અને અન્ય વ્યવસ્થાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 30 હજાર પોલીસ અને 65 ડ્રોનથી રહેશે બાજ નજર

