Kafeel Ahmed Police Firing Ahmedabad: અમદાવાદમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કસ્ટડીમાં રહેલા રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી કફીલ અહેમદે પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આરોપીએ પોલીસની નજર ચૂકવીને નાસી છૂટવાનો પેંતરો રચ્યો હતો.
આરોપી અચાનક ભાગવા લાગતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી હતી. આરોપીને ભાગતા અટકાવવા માટે PSI રાવલ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ગોળી કફીલ અહેમદના પગમાં વાગી હતી, જ્યારે આરોપીને કાબૂમાં લેવાની જહેમત દરમિયાન PSI રાવલને પણ હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના બાદ ઈજાગ્રસ્ત આરોપી કફીલ અહેમદને ત્વરિત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Kafeel Ahmed Police Firing Ahmedabad: અગાઉ ઝડપાયો હતો કરોડોનો ડ્રગ્સનો જથ્થો
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર CTM ટોલ પ્લાઝા નજીકથી આશરે રૂ. 25.65 કરોડની કિંમતનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સનસનીખેજ કેસમાં પોલીસે 4.53 કિલો હેરોઈન અને 2.49 કિલો મેફેડ્રોન જપ્ત કરીને કફીલ અહેમદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના આ નવા પ્રકરણ અંગે કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

