Ekta Nagar Kevadia Development Projects સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે સરદાર સાહેબને ભાવંજલિ અર્પિત કરી છે. આ સાથે જ તેઓ એકતાનગર (કેવડિયા) ખાતેથી ₹૪૨૬.૭૧ કરોડના ખર્ચે સાકાર થનારા પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કુલ ૩૧ જેટલા વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર એકતાનગરને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છે.
PM Narendra Modi at Statue of Unity: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્પિત કરી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતના એકતાનગર (કેવડિયા) સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટેનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો. આ તકે તેમણે રાષ્ટ્રીય એકતા પરેડની સલામી પણ ઝીલી હતી.
Ekta Nagar Kevadia Development Projects: રૂ. ૩૦૭.૮૩ કરોડના ૨૩ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
એકતાનગરમાં આવતા પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદી ₹૩૦૭.૮૩ કરોડના ૨૩ વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકી રહ્યા છે, જેમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ થાય છે:
-
નવા પ્રવાસન આકર્ષણો: ₹૫૦ કરોડના ખર્ચે બનેલી IRCTC હોટલ, ₹૧૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી નવી ‘એકતા ક્રૂઝ’, ₹૧૪.૩૦ કરોડના ખર્ચે નિર્મિત રેઇન ફોરેસ્ટ તેમજ ₹૩.૬૭ કરોડના ખર્ચે બનેલી ઇકો-ટ્રેઇલ.
-
માળખાકીય સુવિધાઓ: ₹૪૫.૫૩ કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹૨૧.૪૦ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹૨૮.૨૨ કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે ટ્રાવેલેટર્સ, ₹૨૩ કરોડના ખર્ચે ૨૪ મીટર કોલોની રોડ અને ₹૧૪.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ.
-
સૌંદર્યકરણ અને અન્ય કામો: ₹૨૩.૮૧ કરોડના ખર્ચે પરેડ ટ્રેક, એકતાનગર રેલવે સ્ટેશનથી વિઝિટર સેન્ટર સુધી વૉક-વેનું વિસ્તરણ, ફસાડ લાઇટિંગ, ‘એકતા પ્રકાશ પર્વ’, યુનિટી ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન અને ૯ મીટર લાંબી ૨ નવી એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ.
આ ઉપરાંત, પ્રવાસન ક્ષેત્રે નવા આયામો ઉમેરવા માટે ₹૧૧૮.૮૮ કરોડના ખર્ચે ૮ મહત્વના વિકાસકાર્યો (જેમાં ગોરા-ભાણદ્રા રોડ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ખલવાણી બ્રિજનો વિકાસ અને ઇકો ટુરિઝમ સામેલ છે)નું શિલાન્યાસ પણ કરવામાં આવશે.

