અમેરિકન રાજકારણમાં ઇતિહાસ રચ્યો: અબ્દુલ અલ સૈયદ મિશિગનથી જીતીને યુએસ સેનેટમાં પહોંચનાર પહેલા મુસ્લિમ નેતા બન્યા

Abdul El Sayed

Abdul El Sayed પહેલી વાર કોઈ મુસ્લિમ નેતા યુએસ સેનેટમાં પહોંચ્યા છે. અબ્દુલ અલ સૈયદે મિશિગનથી જીત મેળવી છે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેકો ધરાવતા રિપબ્લિકન માઈક રોજર્સને હરાવ્યા. અલ સૈયદે યુએસ સેનેટમાં ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. અમેરિકન રાજકારણમાં આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. તેઓ ડેમોક્રેટિક સેનેટર ગેરી પીટર્સનું સ્થાન લેશે.

વ્યવસાયે ડૉક્ટર, અબ્દુલ ભારત સાથે કૌટુંબિક જોડાણ ધરાવતા રાજકારણી તરીકે ઉભરી આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના પર પ્રહારો કરવામાં આવ્યા હતા. આ બેઠક પર આખા અમેરિકાએ નજીકથી નજર રાખી હતી. અબ્દુલ રહેમાન મોહમ્મદ અલ સૈયદનો જન્મ અને ઉછેર મિશિગનના મેટ્રો ડેટ્રોઇટમાં થયો હતો. તેમના પિતા ઇજિપ્તથી અમેરિકા સ્થળાંતરિત થયા હતા.

Abdul El Sayed તબીબી અભ્યાસથી રાજકારણ સુધીની સફર

અબ્દુલે મિશિગન યુનિવર્સિટીમાંથી જીવવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી જાહેર આરોગ્યમાં ડોક્ટરેટની પદવી મેળવી. તેમણે ૨૦૧૪માં કોલંબિયા યુનિવર્સિટીના કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સમાંથી તેમની મેડિકલ ડિગ્રી પૂર્ણ કરી. રાજકારણમાં પ્રવેશતા પહેલા, અલ સૈયદે કોલંબિયા યુનિવર્સિટીની મેઇલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં રોગશાસ્ત્રમાં સહયોગી પ્રોફેસર તરીકે કામ કર્યું હતું.

તેમનું સંશોધન જાહેર આરોગ્ય પ્રણાલીઓ અને આરોગ્ય અસમાનતાઓ પર કેન્દ્રિત હતું. ૨૦૧૫માં, તેમને આરોગ્ય વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી વેઇન કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, હ્યુમન એન્ડ વેટરન્સ સર્વિસીસના ડિરેક્ટર તરીકે સેવા આપી.

અબ્દુલ અલ સૈયદના પત્ની સારા ઝુક્કાકુ છે, અને તેમને બે પુત્રીઓ છે. સારા ઝુક્કાકુ મૂળ ભારતના કર્ણાટક રાજ્યથી આવે છે. અલ સૈયદના પ્રગતિશીલ વિચારોને કારણે તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કમલા હેરિસનું સમર્થન પણ સાંપડ્યું હતું. ચૂંટણી દરમિયાન વિરોધીઓના આક્ષેપોનો સામનો કરીને તેમણે આ મોટી જીત હાંસલ કરી છે.