Ahmedabad Demolition Policy 2026: જૂનાં મકાનો તોડતાં પહેલાં 7 દિવસ અગાઉ મ્યુનિ.ને જાણ કરવી પડશે

Ahmedabad Demolition Policy

Ahmedabad Demolition Policy અંતર્ગત અમદાવાદમાં જૂનાં મકાનો અને અન્ય બાંધકામો તોડવા માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં 50થી 60 વર્ષ જૂનાં મકાનો તોડીને નવાં બાંધકામ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ દરમિયાન ધૂળનું પ્રદૂષણ, ટ્રાફિક અને રસ્તા પર દબાણ જેવી સમસ્યાઓ ઊભી થતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ તૈયાર કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા અનુસાર, નવા નિયમો પ્રમાણે કોઈપણ બાંધકામ તોડતાં પહેલાં સાત દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી પડશે. આ સાથે મિલકતના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા, ઉપયોગ સહિતની જરૂરી વિગતો પણ રજૂ કરવાની રહેશે.

પોલિસી મુજબ ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ કરી શકાશે. રાત્રિના સમયે સાઇટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડશે. ધૂળનું પ્રદૂષણ અટકાવવા ડસ્ટ બેરિયર, વિન્ડશિલ્ડ, પાણીનો છંટકાવ અને રસ્તાઓની નિયમિત સફાઈ ફરજિયાત રહેશે.

Ahmedabad Demolition Policy માં સલામતી અને કાટમાળના નિકાલના નિયમો

ડિમોલિશન સાઇટ પર બેરિકેડ, સેફ્ટી નેટ અને ચેતવણીનાં બોર્ડ લગાવવાનાં રહેશે. શ્રમિકોને હેલ્મેટ, સુરક્ષિત બૂટ સહિતનાં જરૂરી સાધનો આપવાં પડશે. કટિંગ, ગ્રાઇન્ડિંગ અને ડ્રિલિંગ દરમિયાન ધૂળ નિયંત્રણની વ્યવસ્થા કરવી પડશે. પાણી, વીજળી અને ગેસનાં જોડાણો અંગે પણ જરૂરી તકેદારી રાખવાની રહેશે.

બાંધકામના વિસ્તાર અને ઊંચાઈના આધારે ડિમોલિશનને પાંચ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું છે. ઊંચી શ્રેણીનાં બાંધકામ તોડતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની હાજરી જરૂરી રહેશે.

ડિમોલિશનથી નીકળતા કાટમાળને ઢાંકીને રાખવો પડશે અને 48 કલાકમાં તેનો નિકાલ કરવો પડશે. કાટમાળને અધિકૃત પ્રોસેસિંગ સુવિધા સુધી પહોંચાડવાનો રહેશે અને તેનો રેકોર્ડ રાખવો પડશે. ઊંચી શ્રેણીનાં બાંધકામમાંથી ઓછામાં ઓછા 15 ટકા કાટમાળનો પુનઃઉપયોગ પણ કરવો પડશે.

આ નિયમો મિલકત માલિકો, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ અને સંબંધિત એન્જિનિયરો સહિત વિવિધ પક્ષકારોને લાગુ પડશે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદા હેઠળ કરવામાં આવતી ડિમોલિશનની કામગીરીને આ નીતિમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Chaitar Vasava Release: મુક્તિની માગ સાથે AAPનું મહાસંમેલન