Crime-Free Gujarat માટે અમિત શાહ એક્શનમાં, પોલીસને ડ્રગ્સના નાના વેપારીઓથી મોટા દાણચોરો સુધી પહોંચવા આદેશ

Crime-Free Gujarat

Crime-Free Gujaratના લક્ષ્યને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત સરકારને આગામી છ મહિનામાં ગુનાખોરી અને નશીલા પદાર્થોના નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવા જણાવ્યું છે. દિવાળી પહેલાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા તથા આંતરિક સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

બેઠકમાં ભારતીય ન્યાય સંહિતા સહિતના નવા કાયદાઓના અમલ અને સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારનો પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો. શાહે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે નવા કાયદાઓના અમલ બાદ ગુજરાતમાં 60 દિવસની અંદર 92 ટકા આરોપપત્રો દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત, 2,412 ગેરકાયદે વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

શાહે પોલીસને નશીલા પદાર્થોના નાના વેચાણકારોથી લઈને મોટા દાણચોરો, સપ્લાયરો અને તેમની આર્થિક લેવડદેવડ સુધીની કડીઓ શોધવા સૂચના આપી હતી. તેમણે કોલ ડિટેલ્સ, ડિજિટલ પુરાવા અને અન્ય તપાસ એજન્સીઓ પાસેથી મળતી માહિતીને આધારે સમગ્ર નેટવર્ક સામે કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો.

Crime-Free Gujarat માટે દરિયાકાંઠા અને સાયબર સુરક્ષા પર ભાર

ગૃહમંત્રીએ કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓને દરિયાકાંઠાની દેખરેખ વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું. સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અટકાવવા અને આતંકવાદ વિરોધી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં સાયબર હેલ્પલાઇન 1930, સાયબર કમાન્ડો, ડિજિટલ અરેસ્ટ સામેની કાર્યવાહી, સાયબર ગુનાઓનું વિશ્લેષણ અને મિશન પ્રમોદ અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત 112 જનરક્ષક સેવા, મોબાઇલ ફોરેન્સિક વાન, ઈ-સમન્સ અને ઈ-સાક્ષ્ય જેવી વ્યવસ્થાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

અમિત શાહે પોલીસના આધુનિકીકરણની નિયમિત સમીક્ષા કરવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે માટે અસરકારક પગલાં લેવા ભાર મૂક્યો હતો. હવે આગામી છ મહિનામાં રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ આ લક્ષ્ય માટે કઈ રીતે કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે.

Drug-Free Gujarat: 2028 સુધીમાં નશામુક્ત બનશે ગુજરાત?