UPI Payment પર MDR ચાર્જનો નિર્ણય ટળ્યો? 2027ની ચૂંટણી બાદ અમલની શક્યતા

UPI MDR Charges

UPI MDR Chargesને લઈને ભારતમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા કેટલાક પસંદગીના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, આ ચાર્જ ક્યારથી લાગુ થશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2027માં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી બાદ તેના અમલ અંગે વિચારણા થઈ શકે છે.

ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલમાં ઉદ્યોગ ક્ષેત્રનાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયમાં વધુ વિલંબ થઈ શકે છે. વેપારીઓ અને વેપારી સંગઠનોના વિરોધને કારણે સરકાર અમલની તારીખ અંગે સાવચેતી રાખી રહી હોવાનું અહેવાલમાં કહેવાયું છે.

અગાઉ 15 ઓક્ટોબરથી અમલની હતી યોજના

આ પ્રસ્તાવ શરૂઆતમાં 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાનો હતો. જોકે, તહેવારોની મોસમ અને કામગીરી સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને તેને દિવાળી બાદ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. NPCIએ તે સમયે નવી તારીખ અલગથી જાહેર કરવાની વાત કરી હતી.

UPI MDR Charges: કયા ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે ફી?

સપ્ટેમ્બરમાં રજૂ થયેલા પ્રસ્તાવ મુજબ, ₹2,000થી વધુના કેટલાક પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) વ્યવહારો પર 0.4 ટકા MDR વસૂલવાની જોગવાઈ છે. ₹75,000 કે તેથી વધુની ચુકવણી માટે આ ચાર્જ મહત્તમ ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ છે.

જોકે, વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેના પેમેન્ટ (P2P) અને ₹2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પહેલાંની જેમ મફત રાખવાની જોગવાઈ છે. UPI QR કોડ મારફતે મહિને ₹1 લાખ સુધીની આવક ધરાવતા નાના વેપારીઓને પણ આ ચાર્જમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.

વેપારી સંગઠનોએ આ યોજનાનો વિરોધ કર્યો હતો અને 2 ઓક્ટોબરે ‘નો UPI ડે’ વિરોધની જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે ચર્ચા બાદ આ નિર્ણય પાછો ખેંચાયો હતો.

સરકારનું વલણ છે કે MDR એક પ્રોસેસિંગ ફી છે, જેનો બોજ વેપારીઓએ ઉઠાવવો જોઈએ, ગ્રાહકો પર નહીં. જોકે, NPCI, રિઝર્વ બેંક અને સરકાર વચ્ચે અમલની તારીખ અંગે અંતિમ સહમતી થઈ છે કે નહીં તેની સ્પષ્ટતા ઉપલબ્ધ નથી. તેથી હાલ આ ચાર્જને લાગુ થયેલો નિયમ નહીં, પરંતુ પ્રસ્તાવ તરીકે જ જોવો જોઈએ.

ISKCON Bridge Accident Case: પાંચ સાક્ષીઓએ કોર્ટમાં શું કહ્યું?