Parshottam Solanki Statementને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સમાજના અગ્રણી નેતા પરસોત્તમ સોલંકીએ 22 નવેમ્બરે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તલવાર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાર્યક્રમોમાં મળતી તલવારો તેમણે અમસ્તી નથી રાખી અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરે છે. તેમના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં અલગ-અલગ રીતે જોવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી ચર્ચા તાજેતરમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન બાદ શરૂ થઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે.
Parshottam Solanki Statement: તલવાર અને મંત્રીપદ અંગે શું કહ્યું?
ભાવનગરના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતાં સોલંકીએ જણાવ્યું હતું કે, લોકો વિવિધ કાર્યક્રમોમાં તેમને તલવાર ભેટ આપે છે. આ તલવારો માત્ર શોભા માટે રાખી નથી. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાની વાત પણ તેમણે કહી હતી. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, જેને સમજવું હોય તે સમજી લે.
મંત્રી પોતાના પહેરવેશ અંગે પણ બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલમાં જે સફેદ કપડાં પહેરે છે તે જનતા માટે છે, જ્યારે ભૂતકાળમાં તેઓ કાળા કપડાં પહેરીને પણ ફર્યા છે.
પોતાની કાર્યશૈલી અંગે સોલંકીએ કહ્યું હતું કે, તેઓ પૈસા કમાવવા માટે રાજકારણમાં આવ્યા નથી. માત્ર વાતો કે વચનો આપવાને બદલે કામ કરીને બતાવવામાં માને છે.
મંત્રીપદ અંગે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેમણે કોઈને 30 વર્ષ સુધી મંત્રી બનાવવાની માગ કરી નથી. મંત્રી બનાવે તો ઠીક, નહીં તો પોતાના વતનમાં પાછા જવાની વાત પણ તેમણે કરી હતી.
ભાવનગર ગ્રામ્યના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જોકે, તલવાર અંગેના નિવેદનથી તેમનો ચોક્કસ રાજકીય સંદેશ શું હતો તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી.

