પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં ભીષણ ધમાકો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કોહાટ વિસ્તારમાં ઓલ્ડ પોલીસ લાઈન નજીક આવેલી મસ્જિદમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં પાંચ પોલીસ જવાનો સહિત કુલ 16 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Pakistan Kohat Mosque Blast: વિસ્ફોટ બાદ અંધાધૂંધ ફાયરિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, કોહાટ પોલીસ લાઈન્સ નજીકની મસ્જિદમાં જ્યારે લોકો જુમ્માની નમાઝ અદા કરી રહ્યા હતા, ત્યારે આ આતંકી હુમલો થયો હતો. વિસ્ફોટ થયા બાદ હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને રેસ્ક્યુ ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.
ખૈબર પખ્તૂનખ્વાહના આઈજીના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે વિસ્ફોટક ભરેલી એક ગાડી પોલીસ લાઈનમાં ઘૂસી ગઈ હતી, જો કે આ વિસ્ફોટ ચોક્કસપણે કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગે હજુ સત્તાવાર તપાસ ચાલી રહી છે.

