PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડશે

PM Modi Record

PM Modi Record : ભારતના રાજકીય ઇતિહાસમાં 10 જૂન 2026 નો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કરીને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દેશે. પીએમ મોદી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સતત સૌથી વધુ સમય સુધી સેવા આપનારા લોકતાંત્રિક રીતે ‘ચૂંટાયેલા’ વડાપ્રધાન (Elected Prime Minister) બની જશે. આ સીમાચિહ્નરૂપ ઘટના ભારતીય રાજકારણમાં તેમનો દબદબો વધુ મજબૂત કરશે.

PM Modi Record : સતત 4,399 દિવસનો કાર્યકાળ થશે પૂર્ણ

10 જૂન, 2026 ના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર સતત 4,399 દિવસ પૂર્ણ કરશે. આ સાથે જ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના 4,398 દિવસના સૌથી લાંબા રેકોર્ડને તોડી નાખશે.

નોંધનીય છે કે, પીએમ મોદીએ 26 મે, 2014 ના રોજ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ત્યારથી તેઓ સતત ત્રીજી ટર્મ માટે સત્તા પર બિરાજમાન છે. બીજી તરફ, જવાહરલાલ નેહરુનો ચૂંટાયેલો કાર્યકાળ 13 મે, 1952 થી શરૂ થઈને 27 મે, 1964 સુધીનો (સતત 4,398 દિવસ) રહ્યો હતો. આ યાદીમાં પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી ત્રીજા સ્થાને છે, જેમણે સતત 4,077 દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

મુખ્યમંત્રી અને PM તરીકે 8,930 થી વધુ દિવસનો રેકોર્ડ 

પીએમ નરેન્દ્ર મોદીના નામે માત્ર વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ એક ચૂંટાયેલા શાસક (Head of Government) તરીકે પણ સૌથી લાંબો સમય સેવા આપવાનો અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ અને 2014 થી અત્યાર સુધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને જોડીએ તો, તેઓ ચૂંટાયેલા વડા તરીકે 8,930 થી વધુ દિવસો વિતાવી ચૂક્યા છે.

આ મામલામાં પણ તેઓ પંડિત નેહરુથી ઘણા આગળ છે. નેહરુએ 1947 થી 1964 દરમિયાન દેશના વડા તરીકે કુલ 6,130 દિવસ વિતાવ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય મુખ્યમંત્રી તરીકે સેવા આપી ન હતી. એટલું જ નહીં, માર્ચ 2026 માં પીએમ મોદીએ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો (8,930 દિવસ) રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં મોટો વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *