Mehmadabad Cow Muslim Humanity :મહેમદાવાદમાં હાલ ૪૧ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં, પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. આ આકરા તાપ વચ્ચે મહેમદાવાદમાંથી કોમી એકતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. હાલ મહેમદાવાદમાં ગાયોની હાલત કફોડી જોવા મળી છે. આ ગાયોની ગૌચર જમીન પણ લોકો ખાઇ ગયા અને તંત્ર આંખ આડા કાન કરીને કોઇ કાર્યવાહી કરતું નથી, શહેરમાં ગાયોની સ્થિતિને લઇને ભારે રોષ જોવા મળી રહ્યું છે.
શહેરના એસ. વાય. મન્સૂરી હોલની પાછળ આવેલ ઈકરા તેમજ જીરાવાલા સોસાયટીના મેદાન પાસે એક ગાય ગરમી અને બીમારીના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. કચરો અને પ્લાસ્ટિક ખાવાને કારણે બીમાર પડેલી આ ગૌમાતા ૪૧ ડિગ્રીના તાપમાં જમીન પર તરફડી રહી હતી અને પોતાના પગ પર ઊભી પણ નહોતી રહી શકતી.

Mehmadabad Cow Muslim Humanity : મુસ્લિમ યુવાનો બન્યા દેવદૂત!
આ વિસ્તાર મોટાભાગે મુસ્લિમ વસ્તી ધરાવે છે. પરંતુ જ્યારે સ્થાનિક મુસ્લિમ બિરાદરોએ આ અબોલ જીવને આટલી પીડામાં જોઈ, ત્યારે તેઓએ કોઈપણ પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠીને ઈન્સાનિયત દાખવી હતી. મુસ્લિમ યુવાનોએ તાત્કાલિક દોડી આવીને ગાયને પીવા માટે પાણી આપ્યું હતું અને તેના શરીર પર પાણી છાંટીને ગરમીથી રાહત આપવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

JCB ની મદદથી ગાયને છાંયડામાં ખસેડાઈ
સ્થાનિકોએ તાત્કાલિક મહેમદાવાદ નગરપાલિકાને પણ આ અંગે જાણ કરી હતી. જેના પગલે પાલિકાના કર્મચારી બહાદુરભાઈ તાત્કાલિક જેસીબી (JCB) મશીન લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આખરે, સ્થાનિક મુસ્લિમ યુવાનો અને પાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ નિસહાય અને લાચાર ગાયને જેસીબીની મદદથી એક ઝાડના છાંયડા નીચે સુરક્ષિત જગ્યાએ ખસેડી હતી.આજના સમયમાં જ્યારે નાની-નાની વાતોમાં વિવાદો થતા હોય છે, ત્યારે મહેમદાવાદના આ મુસ્લિમ બિરાદરોએ સાબિત કરી દીધું છે કે જીવદયાથી મોટો કોઈ ધર્મ નથી. તેમની આ નિઃસ્વાર્થ કામગીરીની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત

