મેઘરજ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મેઘરજ કે જે કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, ત્યાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મુસ્લિમ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાનો નિર્ણય લેતા રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.
મેઘરજ : 200થી વધુ મુસ્લિમ યુવાનોએ ધારણ કર્યો કેસરિયો
મેઘરજ નગરના કસ્બા વિસ્તાર, સમદનગર અને ઇન્દિરા નગરના 200 કરતાં વધુ મુસ્લિમ યુવાનો અને સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસ સાથેના તમામ છેડા ફાડી નાખ્યા છે. ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને આ તમામ યુવાનોએ વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી એક વિશેષ સભામાં આ તમામ નવા કાર્યકરોને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકો ભાજપમાં જોડાતા કોંગ્રેસ છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક આગેવાનોની હાજરીમાં શક્તિ પ્રદર્શન
મેઘરજના કસ્બા વિસ્તારમાં ભાજપ દ્વારા એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખરા અર્થમાં ભાજપનું શક્તિ પ્રદર્શન બની રહી હતી. આ કાર્યક્રમમાં મેઘરજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રૂપલ પંડ્યા અને તાલુકા પંચાયતના ઉમેદવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ઉમેદવારો અને જિલ્લા સંગઠનના નેતાઓની હાજરીમાં મુસ્લિમ યુવાનોએ ભાજપના વિજયનો સંકલ્પ લીધો હતો. ચૂંટણી પહેલા થયેલો આ મોટો પક્ષપલટો મેઘરજમાં ભાજપની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
આ પણ વાંચો: વડોદરાની MSU ના વિદ્યાર્થીઓની કમાલ: સમુદ્રના પાણીમાંથી શોધ્યા અંધારામાં ચમકતા બેક્ટેરિયા

