Owaisi Ahmedabad Rally : આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ અમદાવાદમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શનિવારે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે, કે જે ભાજપ કાર્યાલયની બરાબર સામે આવેલો છે, ત્યાં AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ઓવૈસીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંચ પર ગુજરાત AIMIM ના પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા અને મહારાષ્ટ્રના નેતા વારિસ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Owaisi Ahmedabad Rally : UCC અને બુલડોઝર કાર્યવાહી પર ઓવૈસીના પ્રહાર
સભાને સંબોધતા ઓવૈસીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા સમાન નાગરિક ધારા (UCC) નો ખુલ્લો વિરોધ કર્યો હતો. તેમણે ગર્જના કરતા કહ્યું કે, “તમારા ધર્મના કાનૂન અમારા પર કેમ લાગુ કરો છો? ધર્મ પર ક્યારેય સમાધાન ન થાય.” ગુજરાતના મુસ્લિમો અત્યાચાર સહન કરી રહ્યા હોવાનો દાવો કરતા તેમણે ઉમેર્યું કે, “મુસ્લિમો અત્યારે સીધા નિશાના પર છે. ‘સબકા સાથ, સૌનો વિકાસ’ નો નારો તદ્દન ખોટો છે. ભારતનું સંવિધાન આપણને આપણા હક્ક માટે લડતા શીખવાડે છે. તમે માત્ર વોટર ન બનો, પોતાના સમાજના નેતા બનો. આ દેશ કોઈના બાપની જાગીર નથી.” આ ઉપરાંત તેમણે 1969 અને 2002 ના તોફાનો તથા બુલડોઝરની કાર્યવાહીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
અમે કોઈની બી-ટીમ નથી, કોંગ્રેસ-AAP ના બોસ RSS છે
સ્થાનિક નેતાઓએ પણ સભામાં આક્રમક વલણ અપનાવ્યું હતું. જમાલપુરના પૂર્વ કોર્પોરેટર અફસાનાબાનુ ચિશ્તીએ સ્પષ્ટ કર્યું કે, “અમે કોઈની બી-ટીમ નથી. અમે ગલીએ-ગલીએ જઈને કોર્પોરેશનના પ્રશ્નો ઉઠાવીએ છીએ, વોટ લઈને 5 વર્ષ ગાયબ નથી થઈ જતા.” તો બીજી તરફ મક્તમપુરાના પૂર્વ કોર્પોરેટર ઝેનબબીબીએ ભાજપ કાર્યાલયની બહાર જ પડકાર ફેંકતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે અને અશાંતિધારાના નામે હિન્દુ-મુસ્લિમના ભાગલા પાડવામાં આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલાએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીઓના ‘બોસ’ RSS જ છે.
સ્લોટર હાઉસ મુદ્દે ઘેરાવ અને વારિસ પઠાણનો હુંકાર
અમદાવાદના સ્લોટર હાઉસ મુદ્દે AIMIM નેતા અબ્દુલ અહદએ અમિત શાહ અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બંને પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “ભાજપ તેને બંધ કરાવવા માંગે છે અને કોંગ્રેસ તેને આસ્થાના નામે બહાર લઈ જવા માંગે છે, પરંતુ અમારી માંગ છે કે સ્લોટર હાઉસ ત્યાં જ રહેવું જોઈએ અને બીજું એક નવું બનવું જોઈએ.” મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણએ અન્ય પક્ષો પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ દેશમાં તાંડવ મચાવી રહી છે ત્યારે વર્ષોથી વોટ લેનારાઓના મોઢામાં ફેવિકોલ લાગી ગયું છે. હું સુરત, વડોદરા અને ભરૂચમાં પણ AIMIM નો પ્રચાર કરવા જઈશ.
આ પણ વાંચો: મક્તમપુરા-જુહાપુરામાં ભાજપનો ધુંઆધાર પ્રચાર,MLA અમિત ઠાકરેએ કાદરી પાર્ટી પ્લોટમાં સભા ગજવી!

