Pentagon Locked Down : અમેરિકી રક્ષા મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગન’ (The Pentagon) માંથી એક અત્યંત ચોંકાવનારી અને વૈશ્વિક ચિંતા વધારનારી ઘટના સામે આવી છે. વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી આ ઇમારતની અંદર અચાનક જ ‘એર ક્વોલિટી’ (હવાની ગુણવત્તા) બગડવાની અને કોઈ જોખમી કેમિકલ કે જૈવિક પદાર્થ હોવાની ચેતવણી મળતા જ સનસનાટી મચી ગઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક પેન્ટાગનના ૨ થી ૫ નંબરના તમામ ફ્લોર અને કોરિડોરને લોકડાઉન (Lockdown) કરીને ત્યાં હાજર કર્મચારીઓ અને સૈન્ય અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર ઇમારતમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ (જે તે જગ્યાએ જ સુરક્ષિત રહેવા) નો ઈમરજન્સી આદેશ જારી કરવામાં આવ્યો હતો.
Pentagon Locked Down ગેસ માસ્ક અને કેમિકલ પ્રોટેક્ટિવ શૂટ પહેરીને દોડી આવી રેસ્ક્યુ ટીમો
પેન્ટાગનના પ્રવક્તા શૉન પાર્નેલે (Sean Parnell) મીડિયાને જણાવ્યું હતું કે, બિલ્ડિંગના અત્યંત આધુનિક સિક્યોરિટી સેન્સર્સે હવામાં કોઈ જોખમી પદાર્થ હોવાનું ડિટેક્ટ કર્યું હતું. આ ચેતવણી મળતા જ આર્લિંગ્ટન કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ ‘હેઝમેટ’ ટીમ (Hazardous Materials – HAZMAT Team) ઘટનાસ્થળે ત્રાટકી હતી.
ઇમારતની અંદર મોકલવામાં આવેલા કમાન્ડો અને રેસ્ક્યુ ટીમના સભ્યોએ સંપૂર્ણ ગેસ માસ્ક (Gas Masks) અને કાળા રંગના કેમિકલ પ્રોટેક્ટિવ શૂટ પહેરેલા હતા, જેને કારણે ત્યાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, બિલ્ડિંગની અંદર ખતરનાક જૈવિક બેક્ટેરિયા ‘એન્થ્રેક્સ’ (Anthrax) હાજર હોવાનો એલર્ટ સેન્સર દ્વારા જનરેટ થયો હતો, જે શ્વાસમાં જતાં જ મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
અંતે ટેકનિકલ ખામી અને ‘ફોલ્સ એલાર્મ’ હોવાનો ખુલાસો
પેન્ટાગન જેવી હાઈ-પ્રોફાઈલ ઈમારત પર કોઈ જૈવિક કે રાસાયણિક હુમલો થયો હોવાની આશંકાએ થોડા કલાકો માટે અમેરિકી સરકાર અને મિલિટરી લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, હેઝમેટ ટીમ દ્વારા સમગ્ર બિલ્ડિંગની અંદર હવાના સેમ્પલ લઈને અનેક સ્તરે સઘન તપાસ કરવામાં આવ્યા બાદ વહીવટી તંત્રે મોટી રાહતનો શ્વાસ લીધો છે.
સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, તપાસના અંતે માલૂમ પડ્યું હતું કે પેન્ટાગનનું એર મોનિટરિંગ સેન્સર સિસ્ટમ બગડી ગયું હતું (Malfunctioning Sensor). સેન્સરમાં સર્જાયેલી આ ટેકનિકલ ખામીના કારણે જ આખો ‘ફોલ્સ એલાર્મ’ (ખોટી ચેતવણી) ટ્રિગર થયો હતો અને બિલ્ડિંગમાં કોઈ ઝેરી પદાર્થ હાજર નહોતો. સેન્સરના આ લોચાના કારણે થોડા કલાકો સુધી અમેરિકાના ટોચના સૈન્ય મુખ્યાલયની ગતિવિધિઓ સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ઓમાન તટે વધુ એક ભારતીય જહાજ ‘MT જલવીર’ પર હુમલો, 3 ભારતીયના મોત

