સામાજિક કાર્યકર મિત્તલ પટેલને મુંબઈમાં અપાયો ‘વુમન ઓફ ધ યર’ એવોર્ડ, અભિનેત્રી જુહી ચાવલાના હસ્તે સન્માન

Mittal Patel Woman of the Year Award :

Mittal Patel Woman of the Year Award : ગુજરાત સહિત દેશભરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓના અધિકારો અને ઉત્થાન માટે છેલ્લા બે દાયકાથી ભગીરથ કાર્ય કરી રહેલા જાણીતા સામાજિક કાર્યકર મિત્તલ પટેલને મુંબઈમાં એક પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે. મુંબઈ ખાતે ‘ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ’ ની લેડીઝ વિંગ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં મિત્તલ પટેલને “વુમન ઓફ ધ યર” (Woman of the Year) નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બોલીવુડના જાણીતા અભિનેત્રી જુહી ચાવલાના હસ્તે આ ગૌરવવંતુ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

Mittal Patel Woman of the Year Award : એવોર્ડ છેવાડાના અને વંચિત પરિવારોને સમર્પિત

આ સન્માન સ્વીકાર્યા બાદ મિત્તલ પટેલે પોતાની પ્રેરણાદાયી સ્પીચમાં આ એવોર્ડને સમાજના છેવાડે વસતા હજારો પરિવારો, રસ્તાની બાજુએ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને પોતાના સરનામા માટે રઝળતા વિચરતા અને વિમુક્ત સમુદાયની મહિલાને સમર્પિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સન્માન માત્ર તેમનું નથી, પરંતુ હાંસિયામાં ધકેલાયેલા એ તમામ લોકોનું છે જેમણે તેમને જીવનનો સાચો અર્થ સમજાવ્યો છે. સાથે જ તેમણે સંસ્થાની ટીમ અને સ્વજનોનો પણ આભાર માન્યો હતો.

સાચો વિકાસ માત્ર ઈમારતોથી નહીં, માનવીના ઉત્થાનથી થાય છે

સમારોહને સંબોધતા મિત્તલ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસ એ માત્ર ઊંચી ઈમારતો, રસ્તાઓ કે ઉદ્યોગોથી નથી થતો. જો આજે પણ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ કે સરનામું મેળવવા માટે સંઘર્ષ કરતો હોય, તો વિકાસના ફળ તેના સુધી પહોંચ્યા નથી તેમ કહી શકાય. તેમણે સંત કબીર, રાષ્ટ્રકવિ રામધારી સિંહ ‘દિનકર’ અને દુષ્યંત કુમારની પંક્તિઓ ટાંકીને સમાજના સબળ વર્ગને સંવેદનશીલ બનીને વંચિતોની મદદ કરવા આગળ આવવા હાકલ કરી હતી.

40 સમુદાયોની પીડા અને બે દાયકાનું પરિણામ

પોતાના કાર્યના અનુભવો વર્ણવતા તેમણે ગુજરાતના સરાણિયા, મદારી, ડફેર, મીર બારોટ, સલાટ અને બજાણિયા જેવા 40 જેટલા તકવંચિત સમુદાયોનો ઉલ્લેખ કર્યો હતો. જેમની પીડા તેમના કાર્યની સૌથી મોટી પ્રેરણા બની છે. છેલ્લા બે દાયકાના સતત પ્રયત્નોના પરિણામે આજે લાખો પરિવારોને ઓળખ મળી છે, હજારો પરિવારોને છત મળી છે અને યુવાનોને રોજગાર મળ્યો છે. મિત્તલબેને જણાવ્યું કે જ્યારે કોઈ વંચિત બાળક પહેલીવાર શાળાએ જાય કે કોઈ વૃદ્ધ મહિલાના હાથમાં ઓળખનો પુરાવો આવે, ત્યારે તે તેમના માટે સૌથી મોટો પુરસ્કાર હોય છે.

ઉદ્યોગજગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં બજાજ ગ્રુપના શેખર બજાજ અને ઉદ્યોગપતિ સમીરભાઈ સોમૈયા જેવા મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શેખર બજાજે મિત્તલ પટેલના કાર્યોની પ્રશંસા કરી તેમને વર્ધા-પૌનાર આશ્રમની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમના સામાજિક કાર્યોમાં સહભાગી થવાની તૈયારી પણ દર્શાવી હતી. મિત્તલ પટેલે આ સન્માનને માત્ર એક ઉપલબ્ધિ નહીં, પરંતુ વંચિતો પ્રત્યેની એક નવી અને મોટી જવાબદારી ગણાવી હતી.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી લોન્ચ કરી દેશની પ્રથમ ‘Bharat Taxi’ સેવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *