Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને ખોટી છે.
Ram Mandir Donation Controversy આક્ષેપો અને સત્યની સફાઈ
વાસ્તવમાં, અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાનમાં આપેલી કિંમતી વસ્તુઓ ગાયબ હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે પૂર્વ IAS અધિકારી એસ. લક્ષ્મીનારાયણન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પરિવારે એપ્રિલ 2024માં ટ્રસ્ટને અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતની સોનાની પરત ચડાવેલી ‘રામચરિતમાનસ’ની એક પ્રતિ ભેટ આપી હતી, જે હવે જોવા મળતી નથી. આ આક્ષેપોના જવાબમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રસ્ટે સોનાની રામચરિતમાનસ, ભગવાન રામના ચરણ ચિહ્નો, હાર અને કાકભુશુિંડિ જેવી તે તમામ વસ્તુઓ જાહેરમાં પ્રદર્શિત કરી હતી, જેમના ચોરી થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
વહીવટી ફેરફારો અને સ્પષ્ટતા
આ ઘટનાક્રમ વચ્ચે ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા મંજૂર કર્યા હોવાનું જાહેર કર્યું હતું. દાનની ગણતરી દરમિયાન ચોરીની ઘટના બની હોવાનું જણાવીને ટ્રસ્ટે આઘાત વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન હવે હાલ પૂરતું ટ્રસ્ટનું કામકાજ સંભાળશે.
કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ સ્પષ્ટ કર્યું કે, “ભ્રામક માહિતી ફેલાવનારાઓથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. માત્ર દાનપાત્રમાંથી જ નહીં, પરંતુ મંદિરની અન્ય વસ્તુઓ ગાયબ હોવાનો જે પ્રચાર થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. અમારી પાસે મંદિરની આશરે 2,800 વસ્તુઓનો વ્યવસ્થિત રજિસ્ટર્ડ રેકોર્ડ છે, જેને જરૂર પડ્યે જાહેર કરી શકાય તેમ છે.” તેમણે ઉમેર્યું કે રામાયણ અને ચરણ પાદુકાઓ જેવી અનેક વસ્તુઓ જે અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, તે તમામનો ચોક્કસ હિસાબ અને રેકોર્ડ ટ્રસ્ટ પાસે સુરક્ષિત છે.
આ પણ વાંચો: PoJK માં ત્રાહિમામ પોકારતી જનતા: પાયાની સુવિધાઓ માટે પાકિસ્તાન સરકાર સામે આર-પારની લડાઈ!

