અમદાવાદના જુહાપુરા-મકતમપુરામાં પાણીની સમસ્યા: સ્થાનિકોનો ‘માટલા ફોડ’ વિરોધ

Juhapura Water Crisis

Juhapura Water Crisis : અમદાવાદ: શહેરના મકતમપુરા વોર્ડ અને જુહાપુરા વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની તીવ્ર અછત અને નબળી પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિક રહેવાસીઓ તથા કાઉન્સિલરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની માંગણીઓને વાચા આપવા માટે સ્થાનિકોએ વોર્ડ ઓફિસની બહાર “માટલા ફોડ” વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Juhapura Water Crisis : સમાન વિકાસના નામે અન્યાયનો આક્ષેપ

વિરોધ કરી રહેલા સ્થાનિકો અને કાઉન્સિલરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર બેવડા ધોરણો અપનાવવાનો આક્ષેપ લગાવ્યો છે. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, જુહાપુરા જેવા લઘુમતી વિસ્તારોને પાયાની સુવિધાઓથી વંચિત રાખીને ઉપેક્ષિત રાખવામાં આવે છે..” રહેવાસીઓનો આક્ષેપ છે કે અન્ય વિસ્તારોમાં VIP સુવિધાઓ આપવામાં આવે છે, જ્યારે તેમના વિસ્તારમાં યોગ્ય રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ્સ અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે.જયાં છે ત્યાં ડ્રેનેજની સાફ -સફાઇમાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે પણ અનેકવાર રજૂઆત કરવામાં આવે છે પણ તંત્ર કુભકર્ણની નિદ્રામાંથી જાગતું જ નથી. આ વિસ્તારના રહીશો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે,તંત્ર વહેલી તકે આ તમામ સમસ્યાનો નિરાકરણ કરે તેવી લોક માંગ ઉઠી છે.

પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળતાના આરે

સિનિયર કાઉન્સિલર હાજી અસરાર બેગે AMC ના પ્રી-મોન્સૂન એક્શન પ્લાન પર પ્રહાર કરતા કહ્યું કે, આ આયોજન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. ડ્રેનેજ લાઈનો અને કેચ પીટની સફાઈ યોગ્ય રીતે ન થવાને કારણે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેનાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હાઈકોર્ટના આદેશોનું પણ પાલન નહીં?

કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે તેઓ આ મામલે અગાઉ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાં સત્તાવાળાઓએ પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. જોકે, વિરોધ કરી રહેલા લોકોનો દાવો છે કે ૭૫% જેટલું કામ હજુ પણ અધૂરું છે અને કોર્ટમાં અપાયેલી ખાતરી માત્ર કાગળ પર રહી ગઈ છે.કાઉન્સિલર નૂરજહાં દીવાન સહિતના સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, તેમની ન્યાયી માંગને દબાવવા માટે વિરોધ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે આને એક પ્રકારની ડરાવવાની યુક્તિ ગણાવી હતી. સ્થાનિક રહીશો AMC અને સરકાર પાસે તાત્કાલિક અસરથી સમાન વિકાસ અને પાયાની જરૂરિયાતો પૂરી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી સામાન્ય નાગરિકોને રાહત મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *