Asian Games 2026 Opening Ceremony એશિયાના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે 20મી એશિયન ગેમ્સનો શનિવારે જાપાનના આઈચી-નાગોયામાં રંગારંગ અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે જાપાનના સમ્રાટ નારુહિતોએ આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત જાહેર કરી હતી. આ ભવ્ય પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય દળની આગેવાની ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનેબાજ મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી પ્લેયર પવન સેહરાવતે હાથમાં તિરંગો લઈને કરી હતી.
Asian Games 2026 Opening Ceremony મેસ્કોટ ‘હોનોહોન’ની વિશેષ પ્રસ્તુતિ થઈ
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમદ અલ થાની અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ કિર્સ્ટી કોવેન્ટ્રી તેમજ જાપાની શાહી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સમ્રાટ નારુહિતોએ એશિયન ગેમ્સ 2026ને ખુલ્લી મૂકી હતી. 2 કલાક ચાલેલા આ સમારોહની શરૂઆત જાપાનના રાષ્ટ્રગીત અને ધ્વજવંદન સાથે થઈ હતી, જ્યાં જાપાની સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસના 9 જવાનો રાષ્ટ્રધ્વજ મંચ પર લાવ્યા હતા.
-
સત્તાવાર મેસ્કોટ ‘હોનોહોન’: આ સમારોહમાં ગેમ્સના સત્તાવાર મેસ્કોટ ‘હોનોહોન’ની વિશેષ પ્રસ્તુતિ થઈ હતી. જાપાનીઝ ભાષામાં “જ્વાળા” માટે વપરાતા પ્રાચીન શબ્દ પરથી આ નામ લેવાયું છે, જે રમતવીરોના જુસ્સા, ઉર્જા અને સપના સાકાર કરવાની અંદરની આગનું પ્રતીક છે.
-
મનુ ભાકર અને પવન સેહરાવતની આગેવાની: પેલોમા મિઝુહો સ્ટેડિયમમાં ભારતીય ત્રિરંગો લહેરાવતી વખતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં બે બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર ભાવુક નજરે પડી હતી. તેમણે જણાવ્યું કે આટલા મોટા વૈશ્વિક મંચ પર દેશના ધ્વજવાહક બનવું એ તેમના માટે અત્યંત ગર્વ અને ભાવનાત્મક ક્ષણ છે. મનુ આ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 25 મીટર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં ભાગ લેશે.
-
પવન સેહરાવતની પસંદગી: કબડ્ડી ટીમનો સુકાની પવન સેહરાવત પણ પુરુષ ધ્વજવાહક તરીકે જોડાયો હતો. અગાઉ શોટ પુટર તજિન્દરપાલ સિંહ તૂરને આ જવાબદારી સોંપાઈ હતી, પરંતુ ટેકનિકલ કારણોસર સમયસર સેરેમોનિયલ કિટ ન મળતાં છેલ્લી ઘડીએ પવન સેહરાવતને પસંદ કરાયો હતો. પવન 2022 હાંગઝોઉ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો હતો.

