Anand former RAC Ketaki Vyas આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) તરીકે ફરજ બજાવતા શ્રીમતી કેતકીબેન વ્યાસ સામેના વિવાદાસ્પદ ગુના સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપી કેતકીબેન વ્યાસ દ્વારા કેસમાંથી મુક્ત (Discharge) થવા માટે દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પીટિશનનો ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે નામદાર સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલી વચગાળાની રાહત હટાવી લીધી છે, જેના પગલે હવે કેતકી વ્યાસ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર કેસની કાર્યવાહી આગળ વધશે.
Anand former RAC Ketaki Vyas : સ્પાય કેમેરા અને બ્લેકમેઇલિંગના ગંભીર કેસમાં કડક કાર્યવાહી
આ કેસની પૃષ્ઠભૂમિ અને અત્યાર સુધીના ઘટનાક્રમની વિગતો નીચે મુજબ છે:
-
ગુનાની નોંધણી: ઓગસ્ટ ૨૦૨૩માં આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા ગોઠવી, કલેક્ટરશ્રીને ફસાવી જઘન્ય વિડિયો બનાવી, વિવાદાસ્પદ જમીનની ફાઇલો મંજૂર કરાવવા ધમકી આપવાના તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું કાવતરું રચવા બદલ કેતકીબેન વાસુદેવભાઈ વ્યાસ તથા અન્ય સહ-આરોપી જીનેશકુમાર દેસાઈભાઈ પટેલ (તત્કાલીન નાયબ મામલતદાર) અને હરીશભાઈ હરમાનભાઈ ચાવડા (વકીલ) વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) આણંદ દ્વારા કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
-
ડિસ્ચાર્જ અરજીઓ ફગાવવી: કેસમાંથી મુક્ત થવા માટે આરોપી કેતકીબેન વ્યાસ દ્વારા નીચલી ટ્રાયલ કોર્ટ તથા સેશન્સ કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજીઓ રજૂ કરવામાં આવી હતી, પરંતુ કેસના ગંભીર પુરાવાઓ ધ્યાને લઈ બંને અદાલતોએ આ અરજીઓ નામંજૂર કરી હતી.
-
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી: સેશન્સ કોર્ટ દ્વારા રાહત ન મળતા કેતકી વ્યાસે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી સામે વચગાળાનો સ્ટે (વચગાળાની રાહત) આપ્યો હતો.
-
વચગાળાની રાહત દૂર થઈ: LCB આણંદના તપાસ અધિકારીના સોગંદનામા તેમજ સરકારના વકીલોની દલીલોના આધારે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે પીટિશનનો આખરી નિકાલ કરી અગાઉ આપેલી વચગાળાની રાહત હટાવી લીધી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે નીચલી અદાલતમાં ફોજદારી કેસની ટ્રાયલ નિયમિત ધોરણે આગળ વધશે.

