પાકિસ્તાનમાં લોટનો હાહાકાર: પેશાવરમાં 20 કિલો લોટનો ભાવ 3300 રૂપિયાને પાર

Pakistan Flour Crisis

Pakistan Flour Crisis   પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે સામાન્ય જનતા માટે બે ટંકની રોટલી મેળવવી પણ હવે મુશ્કેલ બની ગઈ છે. પેશાવરમાં લોટના ભાવમાં અચાનક થયેલા તોતિંગ વધારાથી લોકોમાં ભારે પરેશાની અને રોષ જોવા મળી રહ્યો છે. બજારમાં 20 કિલો લોટની બેગની કિંમત 3,300 પાકિસ્તાની રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે, જેની સીધી અસર તંદૂર અને રોટલીના વેચાણ પર પડી છે.

Pakistan Flour Crisis રોટલીના ભાવમાં ભડકો અને વજનમાં ઘટાડો

ANI ના અહેવાલ મુજબ, પેશાવરમાં જે 50 ગ્રામની રોટલી પહેલા 20 રૂપિયામાં મળતી હતી, તે હવે 30 રૂપિયામાં વેચાઈ રહી છે. પેશાવરના ખૈબર બજાર, અશરફ રોડ, કરાચી માર્કેટ, નમક મંડી અને ગવર્નમેન્ટ કોલેજ ચોક જેવા વિસ્તારોમાં તો પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે દુકાનદારોએ એક રોટલી આપવાનું જ બંધ કરી દીધું છે. ગ્રાહકોને મજબૂરીમાં 40 રૂપિયા આપીને બે રોટલી ખરીદવી પડે છે. લોકોની ફરિયાદ છે કે ભાવ વધવાની સાથે રોટલીનું વજન પણ ઘટાડવામાં આવી રહ્યું છે.

Pakistan Flour Crisisસબસિડીવાળો લોટ ગાયબ, વેપારીઓ પર સંગ્રહખોરીનો આરોપ

બજારમાંથી સરકારી સબસિડીવાળો લોટ લગભગ ગાયબ થઈ ગયો છે. દુકાનોમાં 20 કિલો લોટની બેગ 3,120 થી 3,300 રૂપિયામાં, જ્યારે 80 કિલો લોટની કિંમત 13,200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ કાળાબજારી પાછળ કેટલાક મોટા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલી સંગ્રહખોરીને જવાબદાર માનવામાં આવી રહી છે. આરોપ છે કે વેપારીઓએ ગોડાઉનોમાં લોટનો મોટો જથ્થો છુપાવી રાખ્યો છે, જેના કારણે કૃત્રિમ અછત ઊભી થઈ છે અને તેઓ કરોડો રૂપિયાનો નફો રળી રહ્યા છે. આ મામલે કાયદો-વ્યવસ્થાની એજન્સીઓએ લોટના ગોડાઉનો પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

સરકારનો બચાવ: સબસિડીવાળો લોટ વહેંચાઈ રહ્યો છે

આ ભારે અછત વચ્ચે ખાદ્ય વિભાગે દાવો કર્યો છે કે સબસિડીવાળો લોટ હજુ પણ સમગ્ર પ્રાંતમાં વહેંચવામાં આવી રહ્યો છે. વિભાગના આંકડા મુજબ, ગયા અઠવાડિયે 1,611 સક્રિય ડીલરો મારફતે સરકારી દરે લોટની 4,17,168 થેલીઓનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં પેશાવર ડિવિઝનને 1,01,955, મલકંદને 1,20,737, મરદાનને 59,389 અને અન્ય વિસ્તારોમાં પણ હજારો થેલીઓ ફાળવવામાં આવી છે.

પાકિસ્તાનમાં લોટનું સંકટ નવું નથી

નોંધનીય છે કે, પાકિસ્તાનમાં લોટની અછતની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ 2019-20 અને ત્યારબાદ 2023માં પણ ઘઉં અને લોટની ભારે અછત સર્જાઈ હતી. તે સમયે પણ સબસિડીવાળા લોટ માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી અને અન્ન મેળવવા માટે નાસભાગ જેવી કટોકટીભરી સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *