Dabhoi Streetlight Suspension મામલે વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાના લાઇટિંગ વિભાગના પ્રભારી ક્લાર્ક મહેશ વસાવાને છ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માર્ગ પરથી પસાર થયા હતા, ત્યાં 12 સ્ટ્રીટલાઇટ બંધ અને કેટલીક લાઇટો ઝબૂકતી જોવા મળી હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારી વિરાજ શાહે આ બેદરકારીના આરોપસર સસ્પેન્શનનો આદેશ જારી કર્યો છે.
મહેશ વસાવા પર નગરપાલિકાના અગાઉના નિર્દેશો છતાં સ્ટ્રીટલાઇટની જાળવણી અને જરૂરી સમારકામ સમયસર ન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સસ્પેન્શનનો સમયગાળો પૂરો થયા બાદ તેમને સક્ષમ અધિકારી સમક્ષ હાજર રહી પોતાનો ખુલાસો આપવા જણાવાયું છે.
આદેશમાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે સિનૉર ક્રોસ રોડથી ભોગોળ વિસ્તાર થઈને સરિતા બ્રિજ સુધીના માર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 12 સ્ટ્રીટલાઇટ બંધ હતી, જ્યારે કેટલીક લાઇટો વારંવાર ઝબૂકતી હોવાનું જણાવાયું છે.
Dabhoi Streetlight Suspension: નગરપાલિકાના આદેશમાં શું કહેવાયું?
મુખ્ય અધિકારી વિરાજ શાહ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે VVIP મહાનુભાવોના આગમનને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના વિવિધ વિભાગોને સફાઈ, રખડતાં પશુઓ પર નિયંત્રણ અને સ્ટ્રીટલાઇટની જાળવણી સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
લાઇટિંગ વિભાગના પ્રભારી ક્લાર્ક તરીકે સ્ટ્રીટલાઇટ કાર્યરત રહે તેની ખાતરી કરવાની જવાબદારી વસાવાની હતી. જોકે, જરૂરી કામગીરી સમયસર પૂર્ણ ન થઈ હોવાનો આદેશમાં ઉલ્લેખ છે. આ કાર્યવાહી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 48 હેઠળ કરવામાં આવી છે.
મહેશ વસાવાને 6 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સક્ષમ અધિકારી સમક્ષ વ્યક્તિગત સુનાવણી માટે હાજર રહેવા અને જવાબ રજૂ કરવા જણાવાયું છે. આદેશમાં તેમની સામે અગાઉ પણ ફરિયાદો મળી હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત, તેમને સોંપવામાં આવેલી વધારાની જવાબદારીઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ હેલિકોપ્ટરના બદલે માર્ગ દ્વારા આશરે 90 કિલોમીટરનો પ્રવાસ કરીને વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા.

