Amit Shah Flyover Inauguration કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ઈસ્કોનથી સાણંદ ચોકડીના ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી સૌરાષ્ટ્ર તરફથી ગાંધીનગર જતાં વાહનચાલકોને મોટી રાહત થશે. નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવું કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કોરિડોરથી નાગરિકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ મોટી બચત થશે.

સરખેજથી ગાંધીનગર વચ્ચેનું જોડાણ હવે સંપૂર્ણપણે અવરોધમુક્ત અને સલામત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ ગાંધીનગર હાઈવે પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા અત્યંત વ્યસ્ત જંક્શનો પરથી પસાર થતો આ કોરિડોર ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવશે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો થશે, જેથી આર્થિક લાભ થશે. આ ઉપરાંત રોડ સેફ્ટીની અદ્યતન જોગવાઈઓના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને હાઇવે મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
Amit Shah Flyover Inauguration: રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયો ૬-લેન કોરિડોર
આશરે રૂ. ૪૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલો ૪.૦૩ કિલોમીટર લાંબો અને ૨૬.૮ મીટર પહોળો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન ૨૯૪૦ મીટર અને એપ્રોચની લંબાઈ ૧૦૯૦ મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા ૫૮૮૦ મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. સુરક્ષા અને સુવિધા માટે ૨૯૭ સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને ૭થી ૧૪ મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

