UP Election 2027 : ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે 2027 માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટે અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. સમાજવાદી પાર્ટી (SP) એ પશ્ચિમી યુપીના દાદરીથી પોતાના ‘મિશન-2027’ નો આગાઝ કરી દીધો છે, ત્યારે હવે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પોતાના પત્તા ખોલી દીધા છે. ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી વિધાનસભા ચૂંટણી કોના નેતૃત્વમાં અને કોના ચહેરા પર લડવામાં આવશે.
UP Election 2027 : સીએમ યોગી જ હશે મુખ્યમંત્રી પદનો ચહેરો
લાંબા સમયથી ચાલી આવતી અટકળો અને ચર્ચાઓનો અંત લાવતા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને એક મોટું નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુપી અને ઉત્તરાખંડમાં સીએમ યોગી અને સીએમ ધામી જ ચહેરો હશે? ત્યારે નીતિન નવીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જુઓ, યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે. તેમના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. તેથી નિશ્ચિત રૂપે આગામી ચૂંટણીમાં તેઓ જ અમારો ચહેરો હશે.” આ નિવેદન સાથે તેમણે સીએમ યોગીના નામ પર મહોર લગાવી દીધી છે.
‘અપરાધ અને વસૂલી’વાળું યુપી હવે ‘ઉત્તમ પ્રદેશ’ બન્યું
વિરોધીઓ પર નિશાન સાધતા નીતિન નવીને જણાવ્યું કે, એક સમયે ઉત્તર પ્રદેશને માત્ર અપરાધ અને વસૂલી માટે ઓળખવામાં આવતું હતું અને જાતિના નામે લોકોને ભ્રમિત કરવામાં આવતા હતા. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી ‘ઉત્તમ પ્રદેશ’ બની રહ્યું છે. આજે ઉત્તર પ્રદેશની ઓળખ તેના વિકાસ, એક્સપ્રેસ-વે અને સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા (Law and Order) થી થઈ રહી છે.
યોગીની USP થી લાગશે સત્તાની હેટ્રિક
રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં ઉમેર્યું કે, સીએમ યોગીની ‘યુએસપી’ (USP – કડક કાયદો અને વ્યવસ્થા) આજે જમીન પર દેખાઈ રહી છે. સરકારે ગરીબોની ચિંતા કરી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ગ્રોથ નોંધાવ્યો છે, જેના કારણે મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. જનતાને ગુડ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ જોઈતું હોય છે, જે યુપી સરકાર આપી રહી છે. આ તમામ બાબતો ભાજપને યુપીમાં સતત ત્રીજી વખત સરકાર બનાવીને ‘હેટ્રિક’ લગાવવા માટે પૂરતી છે.

