મહારાષ્ટ્રના જલગાંવમાં ગમખ્વાર અકસ્માત, ગુજરાતના 4 સહિત 6 લોકોના મોત

Maharashtra Jalgaon Accident

Maharashtra Jalgaon Accident : મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે વહેલી સવારે એક પુરપાટ ઝડપે જતી કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલી હિંસક ટક્કરમાં છ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર મૃતકો મૂળ ગુજરાતના હતા અને મહારાષ્ટ્રમાં એક સગાઈ પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

Maharashtra Jalgaon Accident : ‘લોંધે ફાટા’ નજીક વહેલી સવારે સર્જાયો અકસ્માત

પોલીસ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, આ ભયાનક અકસ્માત મંગળવારે સવારે આશરે 7:00 વાગ્યાની આસપાસ જલગાંવના અમલનેર વિસ્તારમાં આવેલા ‘લોંધે ફાટા’ (Londhe Phata) નજીક હાઈવે પર સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

અહેવાલો મુજબ, કાર સામેથી આવી રહેલી મોટરસાઇકલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર બાદ બાઈક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક પાછળથી આવી રહેલી એસટી બસ (ST Bus) સાથે પણ જોરદાર રીતે ભટકાઈ ગયું હતું.

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, 6 લોકોએ ગુમાવ્યો જીવ 

ગુજરાતથી સગાઈના ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવાર પર કાળ મુકામ બનીને ત્રાટક્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો અને બાઈક પર સવાર બે વ્યક્તિઓ એમ કુલ 6 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

મૃતકોની ઓળખ:

  • કારમાં સવાર ગુજરાતના મૃતકો: નંદલાલ મહાજન, અનિતા મહાજન, સુરેશ મહાજન અને નિર્મલા મહાજન

  • બાઈક સવાર મૃતકો: નિલેશ તાવડે અને ફાલ્ગુની ભોઇ

કાર ચલાવી રહેલા એક યુવાનને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એક જ પરિવારના સભ્યોના મોતથી ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  Porbandar LPG Ship Arrival : મિડલ ઈસ્ટ યુદ્ધની અસર વચ્ચે પોરબંદર જેટી પર LPG ભરેલા જહાજનું આગમન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *