PM Narendra Modi Jamnagar Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરફોર્સ સ્ટેશન પર આગમન થતાં જ મહાનુભાવો દ્વારા તેમને સન્માન આપવામાં આવ્યું. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં તેમને એક નજર જોવા માટે જનમેદની ઉમટી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચ્યા.
જામનગર એરફોર્સ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરફોર્સ સ્ટેશન પર પહોંચતા જ રાજ્યના અને સ્થાનિક મહાનુભાવો દ્વારા તેમના માટે ભાવભર્યું સ્વાગત યોજાયું. ઉપસ્થિત મહાનુભાવોમાં મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસૂરિયા, ચીફ સેક્રેટરી પંકજ જોશી, પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને અન્ય મહાનુભાવો શામેલ રહ્યા.
વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટ્યો જનસાગર
જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી યોજાયેલા રોડ શોમાં વડાપ્રધાન મોદીએ જાહેર જનતાનું હાર્દિક અભિવાદન ઝીલ્યું. લોકોએ ફૂલોની વર્ષા કરીને અને મોદી-મોદીના નારા લગાવીને PMનું ભવ્ય સ્વાગત કર્યું. સમગ્ર જામનગર શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો.
જામસાહેબ શત્રશલ્યસિંહજી સાથે PM મોદીની ખાસ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના રાજવી જામસાહેબ શત્રશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમને પરંપરાગત પાઘડી પહેરાવી સન્માનિત કરાયા. આ અગાઉ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદી તેમની મુલાકાતે ગયા હતા અને તે વખતે પણ તેમણે એ પાઘડી ઉતારવાની ના પાડી હતી.
જામસાહેબનો PM મોદીને ફરી વડાપ્રધાન બનાવવા ઉદ્દેશિત પત્ર
2024ની લોકસભા ચૂંટણી સમયે જામસાહેબે પત્ર લખી જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. તેમનો ત્રીજી વખત પ્રધાનમંત્રી પદે વિજય નોંધાવવો અનિવાર્ય છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જામનગર યાત્રા તેમના પ્રચંડ લોકપ્રિયતાનું સાક્ષી બની. તેમના આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો.