સુરતમાં જમવાની માથાકૂટમાં કળિયુગી દીકરાએ સગી માતાની કરી હત્યા!

Surat Mother Murder :

Surat Mother Murder : આજના સમયમાં સંબંધોનું મૂલ્ય જાણે ઘટી ગયું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. સુરતના ઉધના હરિનગર વિસ્તારમાં પણ આવી જ એક હૃદયદ્રાવક અને ઘોર કળિયુગની ઘટના સામે આવી છે. જેમાં એક સગા પુત્રએ જમવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં પોતાની જન્મદાત્રી માતાની જ ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Surat Mother Murder : જમવાનું ન બનાવતા થયો હતો ઝઘડો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ગત ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મોડી સાંજે બની હતી. આરોપી પુત્ર મેહુલ પોતાની બહેન માટે જમવાનું શા માટે નથી બનાવ્યું તે બાબતને લઈને પોતાની માતા પ્રતિક્ષાબેન શાહ સાથે ઉગ્ર ઝઘડો કરી રહ્યો હતો. ઘરમાં સામાન્ય બોલાચાલીએ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાત વણસતા જોઈને પિતા હર્ષદભાઈ શાહ પુત્રને સમજાવવા માટે વચ્ચે પડ્યા હતા.

પિતાનું ગળું દબાવ્યું, વચ્ચે પડેલી માતાને ધક્કો મારતા મોત

આ સમયે ઉશ્કેરાયેલા અને ગુસ્સામાં ભાન ભૂલેલા પુત્ર મેહુલે પોતાના જ પિતા હર્ષદભાઈનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિને બચાવવા માટે માતા પ્રતિક્ષાબેન વચ્ચે પડ્યા ત્યારે મેહુલે તેમને જોરથી ધક્કો માર્યો હતો. આ ધક્કાને કારણે પ્રતિક્ષાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, હત્યારો પુત્ર મેહુલ વ્યવસાયે ડ્રાઇવિંગના કામ સાથે સંકળાયેલો છે.

પિતાની ફરિયાદ બાદ ઉધના પોલીસે કરી ધરપકડ

પોતાની નજર સામે જ પત્નીની હત્યા થતા શોકાતુર પિતા હર્ષદભાઈ શાહે ભારે હૈયે પોતાના જ પુત્ર વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઉધના પોલીસે ત્વરિત એક્શન લઈને હત્યારા પુત્ર મેહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. સગા પુત્રના હાથે જ માતાનું અવસાન થતાં હરિનગર વિસ્તારમાં ભારે શોક છવાઈ ગયો છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ધંધુકા હત્યાકાંડ: બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની હત્યા, બે આરોપી ઝડપાયા અને SIT ની રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *