Ahmedabad Rain SG Highway લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડવાથી રોડ-રસ્તા પર પસાર થનારા બાઈક સવારો અને રાહદારીઓ પલળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદના આગમનથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદના કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો?
અમદાવાદ શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદનું જોર વિશેષ જોવા મળ્યું હતું. મુખ્યત્વે પકવાન ચાર રસ્તા, સરખેજ, એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, થલતેજ, પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા, સેટેલાઈટ, સાયન્સસિટી અને સોલા જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ થયેલા આ વરસાદને કારણે ગરમીથી ત્રાસેલા લોકોને ભારે રાહત મળી હતી. જોકે, અચાનક શરૂ થયેલા વરસાદના કારણે બપોરના સમયે વાહનચાલકોને વાહન ચલાવવામાં થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વાતાવરણમાં આ પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે. બપોરના સમયે અચાનક ઘેરાયેલા વાદળો અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી સમગ્ર શહેરમાં નવો અને આહલાદક માહોલ ઊભો થયો છે.

