જુહાપુરામાં વિક્રેતા કરી રહ્યા છે ઉઘાડી લૂંટ,ડેરીની પ્રોડકટ પર પ્રિન્ટ ભાવથી વધારે ભાવ લે છે!

જુહાપુરા: આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મધ્યમવર્ગને એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ છે,એવામાં વેપારીઓ પણ લૂંટવામાંથી બાકાત નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોડક્ટની પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા ના વેપારીઓ ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરી રહ્યા છે. ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને દાદાગીરી કરીને તેમની સાથે વ્યવહાર કરી રહ્યા છે. અમૂલ દૂધની કોઇપણ પ્રોડકટ પર પ્રિન્ટ ભાવ કરતા એક કે બે રૂપિયો વધારે લઇને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. જો જાગૃત નાગરિક પ્રિન્ટ ભાવ લેવાની વાત કરે તો તેની સાથે ઝઘડો કરીને તેની સાથે મનસ્વી વર્તન કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જુહાપુરા માં અમૂલ પ્રોડકટના પાર્લર સિવાયના જે વિક્રેતાઓ છે તે  જુહાપુરા, મસ્તાન મસ્જિદ,ટાવર,ટીપી 85 રોડ, કેનાલની પાછળ   પ્રિન્ટ ભાવ કરતા એક કે બે રૂપિયા વધારે પ્રોડકટ પર  લઇ રહ્યા છે. જુહાપુરાના અનેક વિક્રેતા કે જેઓ પાર્લર ચલાવે છે તે લોકો દૂધ,દહીં, પનીર સહિતની કોઇપણ ડેરીની વસ્તુ પર પ્રિન્ટ ભાવ કરતા વધારે પૈસા લે છે. જો કોઇ ગ્રાહક તેમની સાથે કાયદાની વાત કરે તો તેની સાથે દાદાગીરીથી વાત કરીને તેની સાથે મારપીટ પણ કરતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં પ્રિન્ટ કરતા વધારે ભાવ લેતા હોવાથી ગરીબ અને મધ્યમવર્ગને ભારે મોંઘવારીનો સામનો કરવો પડે છે. એક બાજુ અમૂલે દૂધના ભાવ વધાર્યા છે અને આવા ગુંડાગીરીવાળા વિક્રેતાઓ પ્રિન્ટ કરતા વધારે ભાવ લે છે.

અમદાવાદ ખાતે ટોલ-ફ્રી સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન નં- 1800-233-0222 કાર્યાન્વિત છે

કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કોણ નોંધાવી શકે?

કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ વ્યવસાય સિવાયના તેમના ઉપયોગ માટે માલ કે સેવાઓ મેળવે છે તો તેને ગ્રાહક ગણવામાં આવે છે.કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ કરી શકાય તેવા કેસોના પ્રકાર : ગ્રાહક વિક્રેતા અથવા સર્વિસ આપનાર સામે કેસ દાખલ કરી શકે છે જો તેને નીચેનાં કારણોસર ખોટ સહન કરવી પડી હોય અથવા નુકસાન થયું હોય :

૧. ખામીયુક્ત ઉત્પાદન.

૨. સર્વિસમાં કમી.

૩. અયોગ્ય અથવા મર્યાદા વગરનો વેપાર વ્યવહાર.

૪. હાનિકારક માલ અથવા સર્વિસો.

૫. વધારાની કિંમત વસૂલવામાં આવી હોય.

કન્ઝ્યુમર કોર્ટના પ્રકાર :

કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ મુજબ આના દ્વારા ફરિયાદ દાખલ કરી શકાય છે :

૧. જિલ્લા ફોરમ : ૫૦ લાખ સુધીની વસ્તુઓ અથવા સેવાઓની કિંમત હોય ત્યારે.

૨. રાજ્ય આયોગ : ૫૦ લાખથી વધુ અને રૃા.૨ કરોડ સુધીની વસ્તુઓ અથવા સેવાઓની કિંમત હોય ત્યારે.

૩. રાષ્ટ્રીય આયોગ : ૨ કરોડથી વધુ વસ્તુઓ અથવા સેવાઓની કિંમત હોય ત્યારે. રાષ્ટ્રીય આયોગ દિલ્હીમાં આવેલું છે.

કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા : તમે કાર્યવાહીના કારણની તારીખથી બે વર્ષની અંદર કન્ઝ્યુમર કોર્ટનો સંપર્ક કરી શકો છો. કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કરતા પહેલાં, તમારે પહેલા વિરોધી પક્ષને કાયદેસરની નોટિસ મોકલવી પડશે અને તેમને વિવાદ ઉકેલવા માટે ૩૦ દિવસનો સમય આપવો પડશે.

જો તેઓ તમારી કાનૂની સૂચનાની અવગણના કરે અને ૩૦ દિવસની અંદર જવાબ ન આપે અથવા ઉકેલ ન આપે, તો તમે કન્ઝ્યુમર કોર્ટનો સંપર્ક કરી શકો છો. ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કરવા માટે તમારે ફક્ત કેસની તમામ વિગતોનો ઉલ્લેખ કરવાની જરૂર છે, જોડાણ જોડવું પડશે અને જરૂરી નકલો જમા કરવી પડશે.

સામાન્ય રીતે આ દસ્તાવેજોની ત્રણ નકલો જમા કરવી જરૂરી છે – એક કોર્ટ માટે, એક વિરોધી પક્ષને મોકલવામાં આવે છે અને એક ફરિયાદી માટે હોય છે. જો વિરોધી પક્ષોની સંખ્યા વધુ હોય તો કેસના દસ્તાવેજોની વધુ નકલોની જરૂર પડશે. આ કેસ દસ્તાવેજો સાથે તમારે જરૂરી કોર્ટ ફી પણ જમા કરાવવાની જરૂર પડશે.

કન્ઝ્યુમર ફોરમ નીચેના નિર્દેશ કરી શકે છે :

* માલમાંથી ખામીઓ દૂર કરો.

* માલ બદલો.

* ચૂકવેલ કિંમત પરત કરવી.

* સર્વિસમાં ખામીઓ સુધારવી.

* ફરિયાદીને થયેલા નુકસાન અથવા હાનિ માટે વળતર ચૂકવવા, અયોગ્ય વેપાર વ્યવહારો અથવા મર્યાદા વગરના વેપાર વ્યવહારો બંધ કરવા અને તેનું પુનરાવર્તન ન કરવું.

* વેચાણ માટે ઑફર કરવામાં આવતો જોખમી માલ પાછો ખેંચી લેવો.

* જોખમી માલસામાનનું ઉત્પાદન બંધ કરવું અને જોખમકારી હોય તેવી સેવાઓ પૂરી પાડવાની દૂર રહેવું.

* રકમ માટે ચુકવણી (ખામીયુક્ત માલ અથવા સેવાઓના મૂલ્યના ઓછામાં ઓછા ૨૫ ટકા).

* ભ્રામક જાહેરાતોની અસરોને નાબૂદ કરવા માટે સુધારાત્મક જાહેરાતો જારી કરવી.

* પાર્ટીઓને પર્યાપ્ત મૂલ્ય પ્રદાન કરવું.

આ પણ વાંચો – ડાકોર નગર પાલિકામાં 11 માસના કરાર આધારિત આ પોસ્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *