મહેમદાવાદમાં વર્ષો જૂનો વડલો ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

Massive old banyan tree : મહેમદાવાદ (Mehmadabad) શહેરમાં શનિવારે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. શહેરની પોસ્ટ ઓફિસ અને પાણીની ટાંકી પાસે, ભાથીજી ફળિયા (Bhathiji Faliya) નજીક આવેલો વર્ષો જૂનો અને ઘટાદાર વડલો અચાનક જ જમીનદોસ્ત થઈ ગયો હતો. મેઇન રોડ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Massive old banyan tree:  ટી-સ્ટોલનો કચ્ચરઘાણ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર,  આ ઘટાદાર વડલો (Banyan Tree) અચાનક જ તૂટી પડ્યો હતો. ગરમીથી બચવા માટે આ વડલાની નીચે એક લોડિંગ ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો, જે ઝાડની ભારેખમ ડાળીઓ નીચે સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. આ ઉપરાંત, ઝાડની બરાબર બાજુમાં આવેલી ‘નકળંગ ટી-સ્ટોલ’ (Naklang Tea Stall) ની કેબિન પર પણ ઝાડનો મોટો હિસ્સો પડતાં કેબિનના પતરાં અને માળખું દબાઈ ગયું હતું, જેના કારણે ટી-સ્ટોલના માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

નગરપાલિકાની તાત્કાલિક કામગીરી

આ ઘટના મેઇન રોડ પર બની હોવાથી તાત્કાલિક ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હતો અને વાયુવેગે વાત ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદ નગરપાલિકાની (Mehmadabad Municipality) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. JCB મશીનની મદદથી ભારે જહેમત બાદ રસ્તા પરથી વડલાની મોટી ડાળીઓ હટાવવામાં આવી હતી અને દબાઈ ગયેલા ટેમ્પાને બહાર કાઢીને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. ભરચક વિસ્તારમાં આટલું મોટું વૃક્ષ પડવા છતાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વર્ષો જૂનો વડલો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ હતો અને લોકો અવારનવાર અહીં છાંયડે આરામ કરવા ઊભા રહેતા હતા. સદનસીબે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ચાની કેબિન કે ટેમ્પાની આસપાસ વધુ ભીડ ન હતી, અન્યથા એક મોટી અને ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત. આ આકસ્મિક ઘટના બાદ હવે સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકા પાસે માંગ કરવામાં આવી રહી છે કે આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં શહેરમાં આવેલા અન્ય આવા જોખમી, સૂકા કે જર્જરિત વૃક્ષોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટનાને સમયસર ટાળી શકાય.

આ પણ વાંચો : Kheda Mass Wedding: રાજયમંત્રી સંજયસિંહ મહિડાએ 101 દીકરીઓનું કર્યું કન્યાદાન! ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા હાજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *