Matrimonial Fraud Karim Sipai મેટ્રિમોનિયલ સાઇટ્સ પર લગ્નની લાલચ આપીને નિર્દોષ મહિલાઓને પોતાની જાળમાં ફસાવતા એક શાતિર ઠગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મૂળ મહેસાણાના કડીનો રહેવાસી કરીમ રફીકભાઈ સિપાઈ નામનો પરિણીત ઈસમ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઈલ બનાવીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કડક કાર્યવાહી કરીને આરોપી કરીમ સિપાઈની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા છે.
Matrimonial Fraud Karim Sipai એન્જિનિયરની ખોટી ઓળખ આપી મહિલાઓને શિકાર બનાવતો
અહેવાલો અનુસાર, આરોપી કરીમ પોતે પરિણીત છે અને તેને ૨૦ વર્ષનો એક દીકરો પણ છે. તેમ છતાં તે મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાને વિધુર, નિઃસંતાન અને એકલવાયું જીવન જીવતો હોવાનું દર્શાવતો હતો. એટલું જ નહીં, યુવતીઓ પર છાપ છોડવા માટે તે પોતે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો માલિક, એમબીએ (MBA) અને આઇટી એન્જિનિયર હોવાની ખોટી ઓળખ આપતો હતો. આ નકલી ઓળખના સહારે તે ખાસ કરીને છૂટાછેડા લીધેલી અથવા એકલવાયું જીવન જીવતી મજબૂર મહિલાઓને સહારો આપવાના બહાને પોતાની પ્રેમજાળમાં ફસાવી શારીરિક અને આર્થિક શોષણ કરતો હતો.
મોબાઈલમાંથી મળ્યા હજારો આપત્તિજનક વીડિયો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાઓ અત્યંત ચોંકાવનારા છે. તેની પ્રાથમિક પૂછપરછ અને મોબાઈલ ડેટાની તપાસમાં આશરે ૨૦ જેટલી યુવતીઓના હજારો આપત્તિજનક અને અશ્લીલ વીડિયો ક્લિપ્સ મળી આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ વીડિયોના આધારે તે મહિલાઓને બ્લેકમેલ કરતો હતો કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ હાઈ-પ્રોફાઈલ મેટ્રિમોનિયલ ફ્રોડ અને ધાર્મિક ઓળખ છુપાવી આચરાયેલા ગુના અંગે ગુનો નોંધીને કરીમ સિપાઈના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: ઓમાન નજીક ડૂબ્યું ભારતીય જહાજ વિરાટ-1, US નેવીએ 14 ભારતીયોને બચાવ્યા

