મોદી ડિગ્રી વિવાદ: અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, રિવ્યુ પિટિશન ફગાવી

Arvind Kejriwal Modi Degree Case

Arvind Kejriwal Modi Degree Case વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલતા વિવાદમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. વડાપ્રધાનની ડિગ્રી મેળવવા મુદ્દે ગુજરાત યુનિવર્સિટી સામે કરેલી કાનૂની લડાઈમાં હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન (પુનઃવિચારણા અરજી) ને આખરે ફગાવી દીધી છે.

Arvind Kejriwal Modi Degree Case,અગાઉના આદેશમાં કોઈ ભૂલ ન હોવાનું ઠેરવ્યું

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે અગાઉ આપવામાં આવેલા આદેશમાં કાયદાકીય રીતે કોઈ ક્ષતિ કે ભૂલ જણાતી નથી, જેથી આ મામલે ફરીથી સુનાવણી કે પુનઃવિચારણા કરવાનો કોઈ આધાર બનતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) ના આદેશને રદ કરવાનો અગાઉનો નિર્ણય યોગ્ય હતો.

₹૨૫,૦૦૦ નો દંડ યથાવત

ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવાના સીઆઈસીના આદેશને રદ કર્યો હતો, ત્યારે અરવિંદ કેજરીવાલ પર ₹૨૫,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ સમગ્ર પ્રક્રિયાને આરટીઆઈ (RTI) કાયદાના દુરુપયોગ સમાન ગણાવી હતી અને દંડની રકમ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીમાં જમા કરાવવા નિર્દેશ આપ્યો હતો. આ રિવ્યુ પિટિશનમાં દંડ રદ કરવાની માંગ પણ સામેલ હતી, જે પણ નકારી કાઢવામાં આવી છે.

શું હતો સમગ્ર વિવાદ?

આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૬ થી શરૂ થયો હતો, જ્યારે સીઆઈસીએ ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની એમ.એ. (માસ્ટર ઓફ આર્ટ્સ) ની ડિગ્રી અરવિંદ કેજરીવાલને ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે ડિગ્રી પહેલેથી જ પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે, તેથી આરટીઆઈ હેઠળ આવી વિગતો માંગવી એ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે. હાઇકોર્ટે યુનિવર્સિટીની દલીલ ગ્રાહ્ય રાખી સીઆઈસીનો હુકમ રદ કર્યો હતો, જેને કેજરીવાલે રિવ્યુ પિટિશન દ્વારા પડકાર્યો હતો. હવે આ પિટિશન પણ ફગાવી દેવાતાં કેજરીવાલ સામેનો કાનૂની માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે.

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદનપત્ર, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *