INDIA Bloc Affidavit Election Commission ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અંગે રાજકીય વિવાદ વધુ ઘેરાયો છે. INDIA ગઠબંધને ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 48 સવાલોના જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વિપક્ષે આ સવાલોના જવાબ સોગંદનામા પર મેળવવાની મંજૂરી માગી છે.
INDIA Bloc Affidavit Election Commission SIR પ્રક્રિયા અંગે ઉઠાવ્યા સવાલ
નોંધનીય છે કે વિપક્ષે પૂછ્યું છે કે સમગ્ર દેશમાં SIR પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કોણે લીધો હતો? આ નિર્ણયને ક્યારે મંજૂરી આપવામાં આવી હતી? ચૂંટણી પંચના ત્રણેય સભ્યોની તેમાં સંમતિ હતી કે નહીં?આ ઉપરાંત નવા મતદારોની નોંધણી માટેના ફોર્મ-6માં થયેલા ફેરફારો અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. આ ફેરફારો કોણે મંજૂર કર્યા અને ચૂંટણી કમિશનરોની સંમતિ લેવામાં આવી હતી કે નહીં, તેવા સવાલો ઉઠાવ્યા છે.
ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ અંગે પણ પૂછપરછ
ઉલ્લેખનીય છે કે INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપરાંત ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી વચ્ચેના મતભેદો અંગે પણ સવાલો કર્યા છે.
SIR, ફોર્મ-6 અને ડિજિટલ સિસ્ટમ સંબંધિત નિર્ણયો દરમિયાન બંને કમિશનરોએ કેટલી વખત વાંધા કે અસહમતિ નોંધાવી હતી, તેની વિગતો માગવામાં આવી છે.
ચૂંટણી પંચની ERONET અને ECINET ડિજિટલ સિસ્ટમના કેન્દ્રીકરણ તથા તેના પર IT વિભાગના નિયંત્રણ અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે તમામ નિર્ણયો સર્વસંમતિથી લીધા હોવાનો દાવો કર્યો
બીજી તરફ, ચૂંટણી પંચે 26 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં એકતરફી નિર્ણય લેવાના આરોપોને નકારી કાઢ્યા હતા.
પંચે જણાવ્યું હતું કે SIR સંબંધિત ત્રણેય મુખ્ય આદેશો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. ફોર્મ-6માં કાયદેસર ફેરફાર કર્યાનો આરોપ પણ ચૂંટણી પંચે નકાર્યો હતો. પંચના જણાવ્યા મુજબ, ફોર્મ સાથે અલગ ઘોષણાપત્ર જોડવામાં આવ્યું હતું.
17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ વિપક્ષી અરજદારોને ચૂંટણી પંચના જવાબ સામે પોતાનો પક્ષ રજૂ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 17 નવેમ્બરે થવાની છે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચ ચૂંટણી પંચની નિર્ણય પ્રક્રિયા અને SIR સંબંધિત મુદ્દાઓની તપાસ કરશે.

