bomb threat : વડોદરા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ઉર્જા કંપની GIPCL (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.)ના ઉચ્ચ અધિકારીને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો છે જેમાં કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળતા જ તંત્રમાં હડકંપ મચી ગયો હતો.
તુરંત જ કંપનીના સંચાલકોએ પોલીસને માહિતી આપી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી, બોમ્બ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો. સમગ્ર સ્થાને ત્વરિત રીતે તપાસ શરૂ કરવામાં આવી.
કંપની દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, GIPCL થર્મલ, રિન્યુએબલ એનર્જી અને માઈનિંગ ક્ષેત્રે કાર્યરત છે અને તેનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પણ સંચાલિત છે. એટલી માટે ધમકી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
ડીસીપી ક્રાઈમ જે.સી. કોઠિયાએ જણાવ્યું કે, મળેલા ઈમેલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કંપનીના પ્રમુખને ટાર્ગેટ કરીને બોમ્બ મુકવાની વાત કહેવામાં આવી છે. હાલ સુધીના સર્ચ દરમિયાન કોઈ સંશયાસ્પદ વસ્તુ મળી નથી. હાલ સાયબર સેલ દ્વારા ઈમેલનું સોર્સ ટ્રેસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને પ્રાથમિક અનુમાન મુજબ ઈમેલ ચેન્નઈ તરફથી મોકલાયો હોવાનું લાગી રહ્યું છે.
તંત્ર દ્વારા તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને વધુ માહિતી માટે તપાસ ચાલુ છે.