Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે અમદાવાદના રાજકારણમાં એક મોટો અને સૂચક દિવસ બની રહેવાનો છે.
Asaduddin Owaisi Ahmedabad: આજે સાંજે કુરેશ ચોક ખાતે વિશાળ જાહેર સભા
પોતાના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં ઝંઝાવાતી પ્રચાર કરવા અને કાર્યકરોમાં નવો જોશ ભરવા માટે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રખર વક્તા બૅરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ આજે અમદાવાદની મુલાકાતે છે. મળતી માહિતી મુજબ, આજ રોજ તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૬, બુધવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કુરેશ ચોક ખાતે અસદુદ્દીન ઓવૈસી એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરવાના છે.

કાર્યકરોમાં ભારે ઉત્સાહ, આક્રમક સંબોધનની શક્યતા
ઓવૈસીની આ જાહેર સભાને લઈને AIMIM ના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સભાસ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સાંજે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. ઓવૈસી પોતાના આગવા અને આક્રમક અંદાજમાં સભાને સંબોધીને વિરોધી પક્ષો પર પ્રહાર કરશે અને પોતાના પક્ષના ઉમેદવારો માટે મતોની અપીલ કરશે તેવી પૂરી સંભાવના છે.
રાજકીય સમીકરણોમાં થશે મોટો ફેરફાર?
ચૂંટણીના આ નિર્ણાયક સમયે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષની આ જાહેર સભા અમદાવાદના રાજકીય સમીકરણોમાં કેટલો ફેરફાર લાવશે તે જોવું રસપ્રદ બની રહેશે. તેમની આ મુલાકાતથી અમદાવાદની ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો અને રોમાંચક બની ગયો છે.

