Eco Village : 21 માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને જંગલ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું છે. આ વર્ષે ‘ફોરેસ્ટ્સ એન્ડ ફુડ’ થીમ હેઠળ ઉજવણી થઈ રહી છે, જે દર્શાવે છે કે જંગલો ખાદ્ય સુરક્ષા અને પોષણમાં કેટલા મહત્વપૂર્ણ છે.
ગુજરાતમાં પર્યાવરણ જાળવવા અને સમતોલ વિકાસ માટે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ધજ ગામને 2016માં રાજ્યનું પ્રથમ ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આગામી સમયમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને પણ આ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવાની તૈયારી છે.
ગાઢ જંગલથી ઘેરાયેલું અને સુરતથી 70 કિમી દૂર આવેલા આ ગામમાં એક સમયે પાયાની સુવિધાઓની ખોટ હતી. જો કે, ગુજરાત ઈકોલોજી કમિશન અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી ધજ ગામને ઈકો વિલેજ તરીકે વિકસાવી, અનેક પર્યાવરણમિત્ર પહેલ હાથ ધરવામાં આવી. ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ, સોલાર લાઈટ, વરસાદી પાણી સંચય, અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળ્યું છે.
નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું કે ઈકો વિલેજ તરીકે ઘોષિત થયા બાદ ગામમાં બાયોગેસ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા, અને પર્યાવરણલક્ષી અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સાથે, પ્રાકૃતિક ખેતી અને પશુપાલન માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
ધજ ગામમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ વન સમિતિ કાર્યરત છે, જે ગ્રામજનોને જંગલ જાળવણી અને પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રેરિત કરે છે. અહીંના યુવાનો અને ગ્રામજનો સ્વયંસેવી રીતે પર્યાવરણ જાળવણીમાં યોગદાન આપી રહ્યા છે. ગુજરાતના આ ઇકો વિલેજે પર્યાવરણ અને પ્રગતિ વચ્ચેનું સમતોલન કેવી રીતે સાચવવું તે સિદ્ધ કરી દેખાડ્યું છે.