ગુજરાત રાજ્યમાં ડમી શાળા ઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને આની તપાસ માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક આદેશ આપ્યો છે. આ અંગેના પગલાંઓ, યોગ્ય તપાસ, અને કાર્યવાહી માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળા ઓ સામે તપાસ કરવા આદેશ કર્યો છે. મોટાભાગે ધો.10 નો અભ્યાસ પૂર્ણ કરીને વિધાર્થીઓ કોચિંગ ક્લાસમાં જોડાય જતા હોય છે. વળી આ દરમિયાન તેમનું નામ ડમી વિધાર્થી તરીકે શાળાઓમાં ચાલતું હોય છે, આવી ફરિયાદ ખુદ શિક્ષણ બોર્ડમાં એક બોર્ડના પૂર્વ સભ્યએ કરી છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે આ તપાસનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડમી વિદ્યાર્થી તરીકે પોતાનું નામ ચાલુ રાખવા માટે શાળાઓ તોતિંગ ફી પણ વસૂલ કરતી હોય છે. આવી ડમી સ્કૂલોમાં શિક્ષકો કાગળો પર જ હોય છે. સૂત્રોનું કહેવું છે કે ગમે તેમ પહોંચ કરીને આ ડમી સ્કૂલના સંચાલકો ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર પણ પોતાની શાળામાં મંજૂર કરાવી, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવાય છે. આમ ગુજરાતના શિક્ષણને લાંબા ગાળાનું નુકસાન થતું હોય તેની તપાસ માટે શિક્ષણ બોર્ડે આદેશ આપ્યા છે